અતિ લોભ એ પાપનું મૂળ છે.

માર્ગ મળશે હે હૃદય, તો મૂંઝવણનું શું થશે?

ધાર કે મંઝિલ મળી ગઇ તો ચરણનું શું થશે?

– ગની દહીંવાલા

 

અતૃપ્તિ બીજું નામ છે જીવનનું. ગમે તેટલું પામીએ જીવનમાં, માનસિક રીતે એથી વધુ પામવાને ઝંખવા માંડીએ છીએ અને તે પણ ક્ષણનાય વિલંબ વિના. મહત્ત્વકાંક્ષા કે સપનાંઓ વિનાનું જીવન શક્ય નથી. તમારી ગલીમાં પાનના નાકે તમે ઊભા હોવ અને કોઇ તમારો ભાવ ન પૂછે અને એક ચમત્કાર થાય, તમે ભારતના વડાપ્રધાન બની ગયા. હવે આગળ? તમે ક્યારેય આટલું બધું નહોતું માગ્યું પણ તમને મળી ગયું અને તમારે એથી સંતુષ્ટ થવું જોઇએ બરાબર? પણ નહીં, સર્વોચ્ચ ગાદી પર જેવા તમે પહોંચો એવું તમે વિચારવા માડંશો: અત્યાર સુધીના કોઇ વડાપ્રધાને જેવાં અને જેટલાં કામ કર્યાં નથી એવાં અને એટલા કામ હું કરી બતાવીશ અને ફરી એક વાર તમારી મંઝિલ તમારાથી દૂર થઇ જાય છે. પાછા વાસ્તવિકતાની ધરતી પર આવીએ. ભલે હું કે તમે વડાપ્રધાન બનવાના નથી પણ આપણી કક્ષાએ આપણા જીવનમાં ઘણીવાર અસાધારણ લક્ષ્ય સાધતા હોઇએ છીએ. સફળ થવાથી આપણે પોરસાઇએ પણ છીએ પણ ફરી વાર નવું નિશાન તાકીને સજ્જ થઇએ છીએ. યાદ રાખ કે જે દિવસે નવું કશુંક કરી બતાવવાની કે આગળ વધવાની ઇચ્છાઓનો ભાગાકાર થવા માંડે છે ત્યારે જીવનમાંથી ઉમંગ નામના તત્વની બાદબાકી થવા માંડે છે અને નિષ્ફળતા વળી કંઇ બલાનું નામ છે? અમુકતમુક કાર્ય ખૂબ મથ્યા પછી પણ ન થયું તો શું, એનાથી નિરાશ ન થવાય. રોજ સવારે પૂર્વ દિશાએથી આવતો સૂરજ નવી તકો લઇને પ્રકાશમાન થાય છે. ફરી લડો. ફરી પ્રયત્ન કરો. ફરી આગળ વધો અને હા સતત ચાલવાની આ સફરમાં લાલચનો અતિરેક ન થવો જોઇએ અને મિથ્યાભિમાનનો પણ. આટલું થાય પછી જીવન ખરેખર જીવન જેવું લાગવા માંડશે.

29/01/1998, ગુરુવારના રોજ મુંબઇ સમાચારમાં પ્રસિદ્ધ રણકાર, જેના લેખક સંજય વિ. શાહ છે. તેઓ આ કટાર કલ્પના જોશીના ઉપનામે લખતા હતા.