Phone

9323366266

Menu

ઉઝબેકિસ્તાનઃ શિસ્ત, શાંતિ અને આમીર તિમુરનો દેશ

ઉઝબેકિસ્તાનઃ શિસ્ત, શાંતિ અને આમીર તિમુરનો દેશ
ઉઝબેકિસ્તાન… ક્યાં આવ્યું? કેવું છે? ત્યાં જવાય ખરું…? આવા કેટલાય પ્રશ્નો ઘણાયના મનમાં હોઈ શકે. ગાંધીભાઈ (હસમુખ ગાંધી)એ પ્રસિદ્ધ કરેલાં સમરકંદ અને બુખારા અને લાલ બહાદુર શાસ્ત્રી સાથે સંકળાયેલી તાશ્કંદની ઘટનાને કારણે આ લખનારને એવું નહોતું. ઇન ફેક્ટ, જુદી ભૂમિના ભોમિયા બનવાની તાલાવેલીને કારણે મનમાં લાંબા સમયથી હતું કે એકવાર ઉઝબેકિસ્તાન જવું. એ તક મળી હાલમાં. બસ, પછી શું જોઈતું હતું? તાશ્કંદ, સમરકંદને માણવાની તક એવી અદભુત રહી કે ક્ષણેક્ષણ માનસપટ પર અંકિત થઈ ગઈ. શું કામ? એની મીઠડી પ્રજાને કારણે, સ્વચ્છતા, શિસ્ત અને સરળતાને કરાણે. સોંઘારત પણ ખરી ત્યાં. મલેશિયા પછી આ બીજો એવો દેશ માણ્યો જેને દિલથી સલામ કરવાનું મન થાય.
ક્યારેક ઉઝબેકિસ્તાન જવાનું થાય તો… મિનિમમ અઠવાડિયા માટે જજો, એથી વધુ દિવસ હોય તો અતિ ઉત્તમ. તાશ્કંદ, સમરકંદ અને બુખારા (આપણું બુખારા બાકી, એટલે કદાચ પાછા થવાનું થાય તો વાહ…) અચૂક માણજો. ભાષાની તકલીફ છે તેથી ગાઇડ કરી લેજો. રાતના ટેક્સી મળવામાં તકલીફ થઈ શકે એટલે ફરવા નીકળો તો જરા ધ્યાન રાખજો, સ્થાનિક ચલણ સોમ એટલું જ ખરીદજો જેટલું વાપરી શકો, અન્યથા સિલક સોમ સ્વદેશ લાવવા પડી શકે છે, શાકાહારી ભોજનના વિકલ્પ ઓછા છે, તેથી બરાબર ધ્યાન રાખજો, તાશ્કંદની ચોરસુ બજાર અને સમરકંદની સિઆબ બજારમાં જવાનું જ, અને ભાવતાલએખ  કરવાના આનંદને માણતાં માણતાં શૉપિંગ કરવાની, સૂકામેવા ખરીદજો અને ત્યાં હોવ ત્યારે, જો મોસમ હોય તો, પેટ ભરીને ચેરી અને સ્ટ્રૉબેરી માણજો (આપણે ત્યાં લીંબુ-મરચાં વેચાય તેમ ત્યાં ચેરી-સ્ટ્રૉબેરી વેચાય), તાશ્કંદમાં લૅ ગ્રાન્દે પ્લાઝા હૉટેલમાં બુકિંગ ટાળવું (નામ બડે ઔર દર્શન છોટેથી પણ ખરાબ છે)…
ઇન્ડિયન…? કાશ્મીર…? અમિતાભ બચ્ચન…? એવા સ્થાનિકોના મીઠા પ્રશ્નો, આપણી સાથે સેલ્ફી પડાવવાની તેમની હોંશ, નિષ્કપટ વર્તન અને સાવ અજાણ્યો દેશ છતાં ઘડીકવાર માટે પણ ભય વર્તાય નહીં એવું વાતાવરણ… ઉઝબેકિસ્તાનને આઝાદી મળ્યે પા દાયકો થયો. રશિયન રાજ અને આઝાદી પછી પ્રગતિ માટે જારી લગાતાર પ્રયાસોના સમન્વયથી ત્યાં જૂની-નવી સંસ્કૃતિનનો સરસ સંગમ જોવા મળે છે. વિકસિત દેશો જેવી સગવડો છતાં ગગનચુંબી ઇમારતો નથી એટલે જ્યાં નજર પડે ત્યાં મોકળું આકાશ આંખમાં ભરાવા જાણે સામું દોડતું આવતું હોય એમ લાગે. સખ્ખત ગરમી, સુપર ઠંડી અને બરફના કરાથી છવાઈ જતી મોસમ… બધું આ દેશને પ્રાપ્ત થયું છે. અમે જોકે બરફના કરાનો આનંદ નથી માણ્યો કેમ કે એનો સમય થયો નહોતો. છતાં, બપોરે ઉકળાટ અને રાતે સોયની જેમ ભોંકાતો ટીખળી પવન, બેઉનો આનંદ ઓછો નહોતો.
તૈમુર ઉર્ફે આમીર તિમુરના દેશમાં એનાં સંસ્મરણો અનેક જગ્યાએ જોવા મળ્યા. બેસ્ટ હતું એનું તાશ્કંદમાંનું પૂતળું અને સમરકંદમાંનું મૅમેરિયલ… એક માટે જે વિલન હોય એ બીજા માટે હીરો હોય… તૈમુર ઉઝબેકિસ્તાનનો હીરો છે, ભલે આપણી માન્યતા અલગ હોય…
અને હા, સ્થાનિક કળા-કારીગરીના નમૂનારૂપ અમુક વસ્તુઓ ત્યાંથી બેશક ખરીદવાની… જેથી વરસો સુધી જીવનમાં ઉઝબેકિસ્તાન ધબક્યા કરે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *