ઓછી આવક એ ઉપનામ છે, આપણી ઝાઝી ઇચ્છાઓનું.

ઓછા સાધનો વડે જીવનમાં અપેક્ષિત ખુશીઓ શા માટે ન આવી શકે? આપણી દૃષ્ટિ જ આપણી સૃષ્ટિ સર્જે છે એ તો સૌ કોઇ જાણે છે. તમારો પગાર ટૂંકો છે. તમારા નસીબમાં સાઇડ ઇન્કમ નામનો બારમો ખેલાડી પણ નથી જે મુશ્કેલીઓ ઓછી કરી શકે. વર્ષો જૂની એક વાર્તા માંડીએ. એક ગામના અતિ શ્રીમંત શેઠને ત્રણ દીકરા. વૃદ્ધાવસ્થા જીવનની પરસાળમાં બેઠી છે અને શેઠને જાણે કહી રહી છેઃ તારા દીકરાઓને વેપાર સોંપી નિવૃત્ત થઇ જા. પણ કયા દીકરાના હાથમાં સુકાન સોંપવું? ત્રણેય દીકરાઓને બોલાવીને શેઠે એક એક સોનામહોર આપી અને કહ્યું, “આ સોનામહોરમાંથી તમારે કોઇપણ એક ચીજ ખરીદવાની છે, ઘરનો એક એક ઓરડો આખો ભરાઇ જાય એટલી.” ત્રણેયને એક સપ્તાહનો સમય આપ્યો શેઠે. અઠવાડિયા પછી પ્રથમ દીકરો આવ્યો, “બાપા, મેં આખા ઓરડાને કપાસથી ભરી દીધો છે, બચેલા ત્રણ પૈસા આ રહ્યા.” બીજો દીકરો આવ્યો, “બાપા, આખા ઓરડાને મેં ઘાસથી ભરી દીધો છે, સત્તર પૈસા વધ્યા છે.” ત્રીજો દીકરો બાપાને પોતાના ઓરડામાં લઇ ગયો. ઓરડામાં એક ખૂણે થોડીક અગરબત્તી બળી રહી હતી. “બાપા આખો ઓરડો મેં સુગંધથી ભર્યો છે. ત્રણ પૈસા વપરાયા છે. બાકીની રકમ આ રહી.” શેઠે પોતાના વેપારનું નેતૃત્વ ત્રીજા દીકરાને સોંપ્યું. બુદ્ધિ-ચાતુરીનો આ સમન્વય આપણા જીવનમાં પણ થવો જોઇએ. ઓછપની ચિંતામાં ઓગળી નહીં જવાનું. પણ એથી સર્જાયેલી ખામી-ઉણપને દિલની વિશાળતા અને બુદ્ધિના વ્યાપ વડે નાથવાની હોય.

06/02/1998, શુક્રવારના રોજ મુંબઇ સમાચારમાં પ્રસિદ્ધ રણકાર, જેના લેખક સંજય વિ. શાહ છે. તેઓ આ કટાર કલ્પના જોશીના ઉપનામે લખતા હતા.