કંઇક મેળવવા નહીં, કંઇક બનવા માટે દોડો

ચલ હવે ઝિંદાદિલીથી વાત કર, ગોઠવેલું ક્યાં સુધી બોલ્યા કરીશ

– હિતેન આનંદપરા

 

પહેલાંના લોક જરા જુદા હતા. સિદ્ધાંત ખાતર, મહત્ત્વકાંક્ષા ખાતર, જીદ ખાતર અને ઝિંદાદિલી ખાતર અસાધારણ કાર્ય કરવા એ બધા થનગનતા હતા. આજે બધાને સિક્યોરિટી જોઇએ છે. સારા માર્કે પાસ થયા પછી નોકરી પાછળ દોડવાનું. સારી નોકરી એટલે દાળભાતશાક – રોટલીની સિક્યોરિટી. પછી સારા પ્રોવિડન્ટ ફંડની અને પેન્શનની સિક્યોરિટી જોઇએ. ઘણા માણસો સુરક્ષિતતાની આ માયાવી સૃષ્ટિમાં પ્રવેશ્યા પછી પોતાની પ્રતિભાની અવગણના કરતા પણ અચકાતા નથી. જીવનમાં રોટી-કપડાં-મકાનની જ ચિંતા ન હોવી જોઇએ કબૂલ પણ જીવનમાં જીવવા જેવું કંઇક તો હોવું જોઇએ કે નહીં? અને યુવાનોમાં જે કોઇ પ્રયત્નો કરવા હોય, જે કોઇ અખતરા કરવા હોય કરી શકાય, પછી ઢળતી જતી જિંદગી આવી તકો નથી આપતી. થોડા બહાદુર બનો, ઘણા જણ આવું બોલતા હોય છે “લાઇફમાં એકવાર સેટલ થઇ ગયા અટલે પત્યું.’’ અરે મારા સાહેબ, આપણે લાઇફમાં સેટલ ન થવાનું હોય પણ લાઇફ આપણને સેટલ થવી જોઇએ. દુનિયાની અનુકૂળતા મુજબ નહીં તમારી ઇચ્છા મુજબ જીવો. જ્યાં નોકરી કરો ત્યાં સાહેબની આજ્ઞા પાળો એ એકદમ યોગ્ય છે પણ પછી પર્સનલ લાઇફમાં સમાજના કહેવાતા મોભીઓથી દબાઇ જવાની શી જરૂર છે. ઠીલાપોચા થઇને જીવવામાં જે મજા નથી એ ઝિંદાદિલીમાં છે.

24/01/1998 શનિવારના રોજ મુંબઇ સમાચારમાં પ્રસિદ્ધ રણકાર, જેના લેખક સંજય વિ. શાહ છે. તેઓ આ કટાર કલ્પના જોશીના ઉપનામે લખતા હતા.