ડર અને ભય ગયા તો અડીખમ ઊભા રહેશો

રસ્તે ચાલતાં ચાલતાં તમને ઠોકર લાગી. તમારું હૃદય એક ધબકારો ચૂકી ગયું. શા માટે? તમે કહેશો, નાના-મોટા અકસ્માતના ભયથી. ખોટી વાત. તમારા હૃદયના ધબકારાનો તાલ ખરેખર તો એટલા માટે ખોરવાઇ ગયો કે તમારી આજુબાજુ પ્રસરેલી સેંકડો આંખોએ તમને જોયા અને એમાં તમને તમારી હાંસી દેખાઇ. માણસને સૌથી વધુ ચિંતા પોતાની નહીં પણ લોકો શું વિચારશે એની જ હોય છે.  પાંચ-પંદર કે પાંચસો-હજાર જણ વચ્ચેથી પસાર થતાં ઠોકર લાગે કે કેળાની છાલ પરથી પગ લપસી પડે ત્યારે પણ આપણા મનમાં સૌપ્રથમ એક જ વિચાર આવેઃ હાય હાય, આ બધા લોકો મારા પર હસ્યા. યાદ રાખો, બહુ ક્ષુલ્લક જણાતો તમારો આ ભય કે તમારી આ લઘુતાગ્રંથિ ખરેખર તો તમારી નબળાઇનો આયનો છે. ઠોકર કોને નથી લાગતી? લપસતું કોણ નથી? તો પછી ભલા આ ખોટો હાઉ શા માટે? બીજાઓની ચિંતાના ભારને ખંખેરવાની શરૂઆત કરવા એક પ્રયોગ કરવા જેવો છે. હવે પછી જ્યારે પણ ઠોકર લાગે કે લપસી પડાય ત્યારે તમારે પ્રયત્નપૂર્વક તમારી આ નકામી લજ્જાને દબાવી દેવાની, મારી નાખવાની, ધીમે ધીમે તમે આવા થડકારાથી મુક્ત થઇ જશો. પાશેરાની એ પહેલી પૂણી, ત્યાર પછી તમારે નિશ્ચય કરવાનો કે જીવનમાં ગમે તેવી ચડતી પડતી આવે, મારી જાત પરનો, વિશ્વાસ હું નહીં ખોઉં, કમસે કમ દુનિયાની બીકે તો નહીં જ નહીં. જો તમે નિષ્ફળ ગયા તો ગુમાવાનું કશું નથી. પણ જો તમે સફળ થયા તો તમારી અંદર વિશ્વાસનું જે સિંચન થશે એ અકલ્પનીય હશે. પછી કેળાની છાલ કે સીડી કે રસ્તા વચ્ચેનો ખાડો તો ઠીક, જીવનની કોઇપણ સમસ્યા તમને ડગાવી શકશે નહીં, ડરાવી શકશે નહીં.

 

21/01/1998 બુધવારના રોજ મુંબઇ સમાચારમાં પ્રસિદ્ધ રણકાર, જેના લેખક સંજય વિ. શાહ છે. તેઓ આ કટાર કલ્પના જોશીના ઉપનામે લખતા હતા.