દેશની ચિંતા મત કર તું ફ્કત જાગ

વતનની ધૂળને ગૌરવ ધરી માથે ચડાવી દે

પડે જો ખપ, ધરી ગરદન સ્વયમ્ મસ્તક ઝુકાવી દે

તને જો હોય ના મંજૂર વિધિના લેખ તો પ્યારા

સ્વયમ્ પ્રસ્વેદથી ભૂંસી ફરી તાઝા લખાવી દે

– આતિશ પાલનપુરી

 

દેશ વિશે, દેશના રાજકારણ વિશે આપણે સૌ એકબીજા સાથે ચર્ચા કરવામાં ચબરાક થઇ ગયા છીએ. બધા રાજકારણીઓ ચોર છે કે આખો દેશ ખાડે ગયો છે કે ભ્રષ્ટાચારે તો માઝા મુકી છે એવું ન બોલ્યો હોય એવો માણસ મળવો મુશ્કેલ છે. મૂળ વાત, તેમ છતાં, કોઇ ગણકારતું નથી કે દેશની અવદશામાં સૌ કોઇએ યથાશક્તિ ફાળો આપ્યો છે. દેશદાઝ શબ્દ આપણા શબ્દકોશમાંથી અદ્રશ્ય થઇ ગયો છે. દુનિયાના દાદા અમેરિકાને હંફાવતા ટચુકડા જાપાનની પ્રજાએ દેશદાઝ જે રીતે જીવી બતાવી છે એમાંથી આપણે ભારતીયોએ બોધપાઠ લેવા જેવો છે. દુનિયાની સૌથી મહેનતુ પ્રજામાંની એક એટલે જાપાનીઝ પ્રજા. અને આપણે? જવા દો. થોડાક શબ્દોમાં અહીંયાથી કશુંક આ વિશે જાણવા કરતાં ઉચિત છે કે તમે તમારા અંતરાત્માનો ઢંઢોળો દેશની મહાન સંસ્કૃતિ પર કે યુગો જૂના ઇતિહાસ પર પોરસાવાનો સમય પૂરો થઇ ગયો છે. જાગો, આજનું ભારત આપણા સૌની પાસે, એના ગૌરવને બરકરાર રાખવા, ઘણી અપેક્ષાઓ રાખે છે. વિધિના લેખ હશે બાકી આજના જેવો ખરાબ સમય આવે નહીં. અને આજે જે કશું થઇ રહ્યું છે એ કોઇને નથી ગમતું. હવે આ પરિસ્થિતિમાંથી બહાર આવવા બેચાર જણ પાસે અપેક્ષા ન રાખી શકાય. આ વિરાટ કાર્ય માટે તો સો કરોડથી વધુ હૈયાં, બસો કરોડથી વધુ હાથ-પગ-મન-મગજ અને અપાર ઇચ્છા જોઇશે. પરિવર્તનની શરૂઆત અઘરી હોય છે, માત્ર. પછી જ્યારે એ જુવાળ બની જાય છે ત્યારે આખાને આખા વર્તમાનને સમૂળગો ઉખેડીને ઇતિહાસની ફ્રેમમાં ફિટ કરી દે છે. આવનારી પેઢોઓ એ ઇતિહાસ જાણીને કદાચ નવાઇ પામે પણ સાથોસાથ એ પેઢીઓ એમનો વર્તમાન સુધારવા બદલ એના સર્જનહારોની ઋણી પણ રહેશે.

 

20/01/1998, મંગળવારના રોજ મુંબઇ સમાચારમાં પ્રસિદ્ધ રણકાર, જેના લેખક સંજય વિ. શાહ છે. તેઓ આ કટાર કલ્પના જોશીના ઉપનામે લખતા હતા.