Phone

9323366266

Menu

દેશ તેવી ઠેસ

દર પંદરમી ઓગસ્ટે આમ છાતી બાકી ગજગજ ફુલાઈ જ જાય છે હોં. જાદુ કાં દેશનો છે, કાં એક દિવસ માટે છત્રીસ ઇંચની થતી છાતીનો છે. આપણી આઝાદી રિયલ સેન્સમાં સેન્સિબલ આઝાદી છે ખરી? આઝાદી સાથે શું શું વધ્યું છે આ દેશમાં? આબાદી વધી છે. બચ્ચા લોગની ભાષામાં કહીએ તો બાધાબાધી વધી છે. જિન્હે નાઝ હૈ હિંદ પર વો કહાં હૈ એવું પુછાય તો જવાબ એક જ હોય, “સારું થયું બાપડા હૌ હાલ્યા ગયા, બાકી…

જન ગન મન ગાતાં ગાતાં ઝંડાને સલામી આપવી બહુ સહેલી છે. આખું ઇન્ડિયા વારંવાર આપે છે ફિલ્લમ જોવા જાય ત્યારે પણ. અને દેશની ફિલ્લમ ઉતરતી બંધ થાય તે માટે કંઈક કરી બતાવવું એ અલગ વાત છે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપીને લડવૈયાઓએ આઝાદી અપાવી આ દેશને. હવે ભૂલ નહીં તો ભૂલની ગાંસડી આપીને સૌ પિદ્દુડી કાઢી રહ્યા છે આ દેશની. જબ ઝીરો દિયા મેરે ભારતને તબ દેને વાલે કો કહાં પતા થા કિ એક દિન દેશપ્રેમ હી વૅરી બિગ ઝીરો હો જાયેગા? તિરંગામાં આમ તો દરેક બાબત કોઈક સારી વાતનું પ્રતીક છે પણ આજના ઇન્ડિયાના રૅફરેન્સમાં એ પ્રતીકના અર્થ શા નીકળી શકે? કેસરી કલર? હડહડતું હિંદુત્ત્વ? વ્હાઇટ કલર? પૉલિટિકલ દેવાળું ઝિંદાબાદ? અને ગ્રીન કલર? ઇસ્લામી કટ્ટરવાદ? વૅઇટ વેઇટ, ચક્ર શું છે? કૅઓસ અને કકળાટની કુલડી? અને પેલા ચોવીસ ચાકા? રાઉન્ડ ધ ક્લૉક પરેશાની? ચૅન્જ, ઑહ ગૉડ પ્લીઝ ચૅન્જ ધીસ નેશન. કે પછી આપણે જ કંઈક કરવું છે હવે?

પ્રૉડક્ટ પર મૅઇડ ઇન ઇન્ડિયા લખવાથી દેશ બનતો નથી. કે નથી બનતો આંગળી પર વૉટ આપ્યાની નિશાની જેવી શાહી લગાડવાથી. રેશનિંગ કાર્ડ, પૅન કાર્ડ કે પાસપોર્ટથી પણ દેશ નથી બનતો. દેશ તો બને છે માણસોની ખુમારીથી. હૈયામાં ભડકતી ચિનગારીથી. આપણો એટિટ્યુડ જો કે સુરસુરિયા જેવો હોય પછી શું થાય? દેશનું જે થવું હોય તે થાય પણ મારું કલ્યાણ થાય એ છે આપણી ખુમારી, ધૅટ ઈઝ. સો, બદલાઈએ?

બદલાવું જ પડશે. સ્વીડન, ડેન્માર્ક, નેધરલેન્ડસ અને ફિનલેન્ડ જેવા દેશ જો ભારત કરતાં સુખી, સમૃદ્ધ અને પ્રગતિશીલ હોય તો વ્હાય નૉટ ઇન્ડિયા? રહેવા ખાતર દેશમાં રહીએ અને કહેવા ખાતર ઇન્ડિયા ઇઝ ગ્રૅટ એવું કહીએ એ હવે નહીં ચાલે. એક માણસથી દેશ બનતો નથી એ કબૂલ પણ એક માણસથી દેશ ખરેખર દેશ બનવાની શરૂઆત થઈ શકે છે. બધું છે દેશ પાસે, બસ એની પ્રજા નથી અને હવે એને પ્રજા બનીને ઘડવાનો છે. કાશ્મીર સળગે છે, આતંકવાદ સળગે છે, નકસલવાદ સળગે છે તોય હૈયાં કેમ સળગતાં નથી હેં? બળો, દેશ માટે બળો જરા, તો જાતે બળુકા થશો અને દેશનેય બળુકો કરશો. પંદરમી ઓગસ્ટે નક્કી કરો, રોજ ઓછામાં ઓછી પંદર મિનિટ ખરા ભારતીય તરીકે જીવવું છે. જાત, જ્ઞાતિ, ભ્રષ્ટચાર, દ્વેષ, સ્વાર્થ, પરવશતા કે લાચારી વિનાના ભારતીય તરીકે. નકશા પર દેશ ત્યારે જ શોભે જ્યારે એમાં રહેનારાનાં જીવન દેશદાઝથી નભે અને દેશદાઝ માટે ધબકે. ચીન સામે સ્પર્ધાની બીન વાગે તો ઠીક પણ દેશના ચારેય ખૂણે બદલાવની બ્યુગલ તો વાગે. એ ત્યારે જ વાગવાની જ્યારે આપણો માહ્યલો જાગે. નહીંતર ઉમાશંકર જોશી તો બચાળા કે’ ‘દીના લખી જ ગ્યા છે, “દેશ તો આઝાદ થતા થઈ ગયો, તેં શું કર્યું?” બોલો, યૉર ટાઇમ સ્ટાર્ટ્સ નાઉ…

Tags: , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *