દ્રઢ મનોબળ સફળતા સુધી લઇ જાય છે.

વમળ ચડે કે ચડે જીવનની ભૂલભૂલૈયા,

કાલે હતા ક્યાં આજ ક્યાં કાલે હશું ક્યાં.

– શર્મિલ

 

એક માણસ. કારકિર્દીની શરૂઆતમાં એણે ગિફ્ટ આઇટમ્સની સેલ્સમેનશિપથી કરી. પછી લોખંડ બજારમાં ક્લેરિકલ કામ કર્યું. પછી વળી બી. કોમ થઇને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાના અભરખા એટલે આર્ટિકલશિપ કરી. આમ એક પછી એક અણધાર્યાં પરિવર્તન આવતાં ગયાં. ચાર્ટર્ડ બનવાનું અધૂરું મૂકી ભાઇ, કોમ્પ્યૂટર ઓપરેટર બન્યા, પછી વળી આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ, પછી શેરબજારમાં નોકરી કરી, પછી શેરની લેવેચનો નાનોમોટો ધંધો કર્યો, પછી ખોટ ગઇ એટલે પછી પાછી શેરબજારમાં નોકરી. આ રીતે આઠનવ વરસની રઝળપાટ પછી આ માણસ હવે એક લાઇનમાં ખરા અર્થમાં ઠરીઠામ થયો. જીવનના શરૂઆતના તબક્કામાં આવેલાં સપનાંઓમાં જે વ્યવસાય નહોતો દેખાયો એવા વ્યવસાયમાં છેવટે એ માણસ સેટલ થયો. આવું ઘણાં જણા સાથે થાય છે. પરિવર્તનની આવી ક્ષણોમાં નાસીપાસ ન થવું એ પહેલી શરત છે સફળતાની. મોટા ભાગોના કિસ્સામાં આવી વ્યક્તિઓને કપરા કાળમાં પરિવારજનોનો પણ સાથ મળતો નથી. જીવન જ્યારે તમારી પાસે અખતરા કરાવે ત્યારે તમારી માનસિક સમતુલા જ તમારી મૂડી બની રહે છે. કોઇ પણ પરિસ્થિતિમાં પોતાની જાત પરનો વિશ્વાસ ગુમાવ્યા વિના આગળ વધો. પ્રથમ દૃષ્ટિએ જે પરિવર્તન મોકાણ જેવું લાગતું હોય એ ઘણીવાર જીવનને સાચી દિશામાં દોરી જતું હોય છે. જામી ગયેલો ધંધો કે સ્થાયી નોકરી ગમે ત્યારે પાણીમાં બેસી જાય તો પણ આપણે પોતે પાણીમાં ન બેસી જવું, કોને ખબર છે કે આવતીકાલ કેવી હશે? બસ, રોજ સવારે ભગવાનનો પાડ માની લેવો કે એણે આપણને વધુ એક રળિયામણો દિવસ આપ્યો છે, જીવ્યે રાખવાનું મોજથી, પરિવર્તનની ચિંતા પડતી મૂકીને. આટલું કરો તો એયને લીલાલ્હેર થઇ જશે રોજ.

10/02/1998, મંગળવારના રોજ મુંબઇ સમાચારમાં પ્રસિદ્ધ રણકાર, જેના લેખક સંજય વિ. શાહ છે. તેઓ આ કટાર કલ્પના જોશીના ઉપનામે લખતા હતા.