ના થઇ નફરત નહિવત પણ પ્રેમ પરિભાષા બદલાઇ ગઇ

ભારોભાર બુદ્ધિ અને અપરંપાર લાગણીઓનો ભંડાર હોવા છતાં આપણે સૌ, આજના માણસો, સમાજને, પૃથ્વીને તારાજી તરફ લઇ જઇ રહ્યા છીએ. એકવીસમી સદીના નવા શબ્દકોશમાં જેને સ્પર્ધાત્મક વાતાવરણ કહેવાયું છે એ બીજું કશું નથી પણ નબળા હરીફીને ટૂંપી નાખવાનું શસ્ત્ર છે. આ સ્પર્ધાત્મક વાતાવરણના પાપે આપણી સ્વાર્થવૃત્તિ અપાર થઇ ગઇ છે. મૂછનો એક વાળ ગીરવે રાખનાર વાણિયો અને વાળ છોડાવી જઇ નાણાં પાછા દઇ જનાર પઠાણ વાર્તોમાં ધરબાઇ ગયા છે. આ પરિસ્થિતિ આપણે સુધારવી જ રહી. દિશાહીન થઇ ગયેલા આજના માણસે બદલાવું જ પડશે. બેચાર ખરાબ લોકો અને અનુભવોથી આખી માનવજાતને માંડી વાળવી એ ક્યાંનો ન્યાય છે? આદમીએ આદમીથી પ્યાર કરરાનો અપરાધ કરવાનું બંધ કર્યું અને સંબંધોની પરિભાષા જ જાણે કે બદલાઇ ગઇ છે. પશ્ચિમી દેશો અવિશ્વાસ, ગળાકાપ અને યંત્રવાદથી જ્યારે દૂર ભાગવા માંડી છે ત્યારે આપણે શા માટે એમની સોડમાં જવું જોઇએ? આપણી તો સંસ્કૃતિ છે હળીમળીને રહેવાની, જીવમાત્રને પ્રેમ કરવાની, અંદર છૂપાયેલા તેજના લિસોટાને લઇને તમે આત્મમંથન કરવા નીકળી પડો. શક્ય છે અંધારામાં ખોવાઇ ગયેલી માણસાઇ તમને પાછી મળી આવે.

 

ટેગઃ બુદ્ધિ, લાગણી, સમાજ, સ્વાર્થવૃત્તિ, પરિસ્થિતિ, મુંબઇ સમાચાર, બોમ્બે સમાચાર, ગુજરાતી ન્યુઝપેપર, રણકાર, સંજય વિ. શાહ, સુવિચાર, ગુજરાતી સુવિચાર.

 

02/02/1998, સોમવારના રોજ મુંબઇ સમાચારમાં પ્રસિદ્ધ રણકાર, જેના લેખક સંજય વિ. શાહ છે. તેઓ આ કટાર કલ્પના જોશીના ઉપનામે લખતા હતા.