બાળક ભવિષ્ય નહિ પણ અસ્તિત્વ છે તમારું

છોકરાંમાં માબાપની આકૃતિનો વારસો

જેમ ઊતરે છે તેમ તેમનાં ગુણદોષનો

વારસો પણ ઊતરે જ છે. માબાપ જો

પોતાના સંતાનોને કોઇપણ સાચી

સંપત્તિ સમાન રીતે આપી શકે એમ

હોય તો તે પોતાનું ચારિત્ર્ય અને

કેળવણીની સગવડો છે.

-ગાંધીજી

 

માતા-પિતાથી વધુ વ્હાલી વ્યક્તિ કોઇ હોઇ ન શકે, પણ મુશ્કેલી એ છે કે સંતાન યુવાન થયા પછી ઘણીવાર માબાપને પણ તિરસ્કૃત કરે છે. આવું શા માટે થતું હશે? ‘મારા સ્વપ્નનું ભારત’ નામના એક પુસ્તકમાં ગાંધીજીએ લખેલાં બે વાકયોથી કદાચ દરેક માબાપે સમજવા જેવાં છે. ઘણાં માબાપ જાણ્યે અજાણ્યે પોતાનાં સંતાનોમાંથી કોઇકને માનીતું કોઇકને અણમાનીતું કરી લેવાની ભૂલ કરી બેસે છે. એ જ પ્રમાણે દીકરી કરતાં દીકરાને વધુ ચાહનારાં માબાપની પણ આપણા સમાજમાં ખોટ નથી. અને કોઇ માબાપ કબૂલ કરે કે નહીં પણ મોટા ભાગનાં માબાપ પોતાનો દીકરો કે દીકરી ભવિષ્યમાં પોતાનું ભરણપોષણ કરે એની ગણતરી કરીને જ એનું ઘડતર કરતા હોય છે. આ ખોટું નથી શું? માન્યું, તમારો દીકરો તમારા ભવિષ્યની આશ છે પણ એની ઇચ્છાઓ, એની પસંદગીઓને માન આપી તેનું ઘડતર ન કરી શકાય. શું? જે દિવસે જે માબાપ પોતાનાં સંતાનો પાછળ પોતે કરતા ખર્ચને ભવિષ્યનું રોકાણ ગણી બેસે તે દિવસથી તે માબાપ સંતાનોના ગુનેગાર નથી થઇ જતાં? યાદ રાખજો કે આ પ્રશ્નોનો ઉત્તર તમારી પાસે તમારા અંતરાત્મા સિવાય કોઇ જ માગવાનું નથી અને હા, તમારે શ્રેષ્ઠ માતાપિતા સાબિત થવું હોય તો ગાંધીજીની વાત આત્મસાત કરવા જેવી છે. ખરેખર.

 

 

16/01/1998, શુક્રવારના રોજ મુંબઇ સમાચારમાં પ્રસિદ્ધ રણકાર, જેના લેખક સંજય વિ. શાહ છે. તેઓ આ કટાર કલ્પના જોશીના ઉપનામે લખતા હતા.