બીબાઢાળ જિંદગીમાં કંઇક નવું કરો

ક્યાંકથી ફંગોળાતા સૂરજ રોજ સવારના પૂર્વ દિશાઓથી દોડતો દોડતો રોજ સાંજે પશ્ચિમમાં આથમી જાય છે. વચ્ચેના કલાકોમાં જીવતો, જાગતો, શ્વસતો, હસતો, રડતો, રમતો, ભમતો માણસ એની છાપેલા કાટલા જેવી જિંદગી જીવી નાખે છે. ખરેખર તો જીવનમાં પ્રસરતી એકવિધતા આપણે પોતે જ કેળવેલી ટેવ હોય છે. મોટા ભાગના માણસોને સવારના પહોરમાં બે કપ છલોછલ ચહા પીધા પહેલાં સવાર જેવું નથી લાગતું. સુસ્ત જીવવું એ આપણી આદત હોય છે. નહીં કે જરૂરિયાત. ધારો તો તમારા જીવનનું કંટાળાપણું તમે દૂર કરી શકો, માત્ર થોડાં હળવાં પરિવર્તનથી. અને આ પરિવર્તનો ક્યાં એ જાણવાની તાલાવેલીનો અંત તમે તમારી દિનચર્યા પર એક નજર નાખીને લાવી શકો. સાંજ ઘરે આવીને ચેનલ સર્ફિંગ કર્યા કરવાની બદલે ક્યારેક પત્ની સાથે બાળકો સાથે કે મિત્રો સાથે મન મુકીને વાતો કરવાનો વિચાર કેવો છે? અને રોજ સવારે ટ્રેનમાં પણ ટીચાવાની બદલે ક્યારેક એકાદું પુસ્તક વાંચવાનો વિચાર કેવો છે? આ અને આવું ઘણું બધું તમારા નિરસ જીવનને ચેતનવંતું કરી શકે તેમ છે. એકસરખું સુખ કે એકસરખી સુરક્ષિતતા ગમે તેટલાં વહાલાં હોય પણ છેવટે એ લીસાપણું અસંતોષ જગાવશે જ. જરાક હિંમત રાખી જીવનમાં કશુંક અસામાન્ય કરી બતાવવાની ઇચ્છા કેળવો, થોડાક બહાદુર બની નાનાંમોટાં પરિવર્તનને, છેવટે પ્રાયોગિક ધોરણે પણ જીવનમાં પ્રવેશવા દો. ત્યાર પછી કદાચ એવું પણ બને કે તમને દરરોજ એવું લાગવા માંડે કે આજના જેવો તો કોઇ દિવસ નહોતો આવ્યો જીવનમાં.

31/01/1998, શનિવારના રોજ મુંબઇ સમાચારમાં પ્રસિદ્ધ રણકાર, જેના લેખક સંજય વિ. શાહ છે. તેઓ આ કટાર કલ્પના જોશીના ઉપનામે લખતા હતા.