મંઝિલ માટે મહેનત જ વિકલ્પ છે.

મારે મારી પ્રગતિથી દુનિયાને આંજી નાખવી છે.

– હેનરી થોરો

 

દુનિયાના શ્રેષ્ઠ ચિંતકોમાં જેની ગણના થાય છે તેવા હેનરી થોરોનું આ વાક્ય કોઇને પણ આત્મવિશ્વાસથી છલોછલ ભરી દેવા પૂરતું છે. દુનિયાના તમામ લોકોને બે ભાગમાં વહેંચી શકાય, એક સામાન્ય માણસો, બીજા અસામાન્ય માણસો. અને ખૂબી તો એ છે કે દરેકેદરેક માણસ એમ જ માનતો હોય છે કે હું તો બધાથી જુદો છું. આપણને તો મોઢા પર, જેવું લાગે તેવું, કહી દેવાની આદત છે શું, મને ખોટું બોલનારા લોકોથી સખત નફરત છે શું, હું ખૂબ જ શાંત માણસ છું પણ મારો પિત્તો જાય ત્યારે હું કોઇની સાડાબારી ન રાખું, મારા જેટલો સરળ અને વ્યવહાર ચોખ્ખો માણસ કોઇ ન હોય, આ અને આવું બધુ લગભગ દરેક માણસ બોલતો જ હોય છે. હકીકત એ છે કે પોતાના જીવનમાં આવી ડાહી વાતોનું આચરણ જૂજ લોકો જ કરી શકતા હોય છે. પોતાની પ્રગતિથી દુનિયાને આંજી નાખવાની તમન્ના ભલા કોને નહીં હોય? પણ બધાથી વિશિષ્ટ થવા માટે, પોતાની અલગ ઓળખ બનાવવા માટે ખૂબ પરિશ્રમ વેઠવાનો હોય છે. એકદમ સાદી ભાષામાં કહીએ તો જે વ્યક્તિ પોતાના માટે ‘હું’ ને બદલે વાતવાતમાં ‘આપણે’ એવું સંબોધન કરે તે વ્યક્તિમાં ભારોભાર અહં ભર્યો હોય છે. ખરા અર્થમાં પ્રગતિ કરવા માટે સૌથી પહેલા તો નમ્ર થવું પડે. પછી જે જે બાબતો તમારા વ્યક્તિત્વને વિશિષ્ટ બનાવી શકે તેમાં સંયમ, શિષ્ટ, મળતાવડાપણું, સરળતા વગેરેનો સમાવેશ થાય છે. કરોડો તારા આભમાં હોવા છતાં એક માત્ર સૂરજ શા માટે આકાશને, પૃથ્વીને આંજી નાખે છે? એના વિશિષ્ટ. ચોક્કસ સ્થાનને લીધે. અને કોઇના હૃદયમાં, પોતાના પરિવારમાં કે સમાજમાં કે આખી દુનિયામાં પોતાનું વિશિષ્ટ સ્થાન બનાવવા ફક્ત મોટી મોટી વાતો કર્યાથી નહીં ચાલે. તમારું લક્ષ્ય નક્કી કર્યા પછી એને પામવા માટે તમારે જ કમર કસવાની છે અને હા, અધવચ્ચે હારી જનાર માણસને દુનિયા ભાગ્યે જ બીજી તક આપે છે. તો હવે તમે તમારી પ્રગતિથી દુનિયાને આંજી નાખવા ક્યારથી ગતિમાન થશે?

23/01/1998, શુક્રવારના રોજ મુંબઇ સમાચારમાં પ્રસિદ્ધ રણકાર, જેના લેખક સંજય વિ. શાહ છે. તેઓ આ કટાર કલ્પના જોશીના ઉપનામે લખતા હતા.