લઘુતાગ્રંથિ તમારા વ્યક્તિત્વને રગદોળી દે છે

લઘુતાગ્રંથિથી પીડાવું એટલે જીવનમાં ક્યારેય આગળ નથી આવવું એવો અયોગ્ય નિર્ણય લેવો. લઘુતાગ્રંથિનો ઇલાજ કદાચ આજના યુગમાં શક્ય બન્યો છે પણ માણસ ધારે તો પોતાની લઘુતાગ્રંથિ પોતે જ દૂર કરી શકે છે. માતૃભાષામાં દસમા ધોરણ સુધી ભણ્યા પછી અને પછી ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી ઘણા જણ અંગ્રેજી બોલી લખી વાંચી શકતા નથી. મધ્યમવર્ગના માણસ ઘણીવાર ઘણી જગ્યાએ પામતાં પહોંચતા લોકો સાથે હળીભળી શકતો નથી. આ બાબતો તો ઉદાહરણ માત્ર છે. આવી ઘણી બાબતો વ્યક્તિના મનમાં લઘુતાગ્રંથિનું નિર્માણ કરતી હોય છે. એ જવા દો, રસ્તે ચાલતા કેળાની છાલ પર પગ પડતાં લપસી જઇએ કે પથ્થરનો ઠેબો લાગે ત્યારે શરીરમાંથી જે ઝણઝણાટી પસાર થઇ જાય એ લઘુતાગ્રંથિનું પરિણામ હોય છે. આવું ન ચાલે. સૌથી પહેલા એ જાણી લો કે આ દુનિયામાં તમારાથી બુદ્ધિશાળી અને તમારાથી ઓછી અક્કલવાળા એક, બે નહીં લાખો કરોડો જણ છે. બીજું એ પણ સમજી લો કે તમે ભલે એક આમ આદમી છો પણ તમારો પર્યાય બની શકે એવું કોઇ વ્યક્તિત્વ આ દુનિયામાં જ નથી. આટલું જો ગણે ઊતારી શકો તો લઘુતાગ્રંથિની તમારી સમસ્યા મહદ્અંશે દૂર થઇ ગઇ. બાકીની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે હવે નિર્ભય બનો. તમે જે કંઇ શીખ્યા, બન્યા એ આ પૃથ્વી પર આવ્યા પછી જ ને? યાદ રાખો, કોઇપણ કામ જીવનમાં ક્યારેક તો પહેલીવાર કરવાનું છે. દરેક નવો અનુભવ માણવા ખેલદિલીપૂર્વક એમાં રત થઇ જાઓ. તમારી ખૂબીઓ જાણો અને ખામીઓ સ્વીકારી એ દૂર કરવાને ખૂબ મહેનત કરો. અંગ્રેજી ભાષા દાખલા તરીકે પંદર વર્ષની શૈક્ષણિક કારકિર્દી પછી પણ ન આવડી એ તમારી ખામી છે અને હવે ‘ટ્રાયલ એન્ડ એરર’ની રમત વડે, ભાષાના સતત ઉપયોગ વડે ભાષા સુધારી શકાય એ તમારામાં છૂપાયેલી જન્મજાત શક્તિ, ખૂબી, આવડત છે. લઘુતાગ્રંથિ જો તમારી સમસ્યા હોય તો તમારી ખૂબી એ છે કે તમે આ સમસ્યાની છુટ્ટી કરી શકવા સક્ષમ છો.

28/01/1998 બુધવારના રોજ મુંબઇ સમાચારમાં પ્રસિદ્ધ રણકાર, જેના લેખક સંજય વિ. શાહ છે. તેઓ આ કટાર કલ્પના જોશીના ઉપનામે લખતા હતા.