શરીફોની વસતિમાં જ ધુતારા વસે છે

દુનિયાની સૌથી કદરૂપી એવી એક સ્ત્રી. રાતના વેશપલટો કરીને નગરચર્ચા કરવા નીકળેલા રાજાની દૃષ્ટિ એ ભિખારણ સ્ત્રી પર પડી અને રાજા ચકિત થઇ ગયો કેમ કે એ સ્ત્રીના ખોળામાં એક બાળક હતું. રાજાને પ્રશ્ન થયો કે આવી સ્ત્રીને બાળક? રાજાએ એના વજીરને આદેશ આપ્યો, “તપાસ કરો કે આ સ્ત્રી પાસે જે બાળક છે એ તેનું પોતાનું છે કે નહીં. અને બાળક એ સ્ત્રીનું જ હોય તો તેનો પિતા કોણ છે.” વજીરે ખૂબ તપાસ કરી. પેલી સ્ત્રીને પહેલા પ્રેમથી પૂછ્યું, પછી ધમકાવી, કશો અર્થ ન સર્યો. ભિખારણ કદરૂપી બાઇ એટલું જ બોલી, “તમારા જેવા કૈંક ઉજળા લોક આવે છે બાપુ અને પાઇપૈસો આપી ચાલ્યા જાય છે. આનો બાપ કોણ એ હું ન જાણું.” રાજાએ આપેલી મહેતલનો આખરી દિવસ અને પછી આખરી રાત આવી ગઇ. વજીરની ઉંઘ હરામ થઇ ગઇ. મધરાત વીતી ગઇ છે. નગરના ચોકમાં પેલી લઘરવઘર બાઇ બેઠી છે અને થોડે દૂર એક બંધ દુકાનને ઓટલે ચિંતાગ્રસ્ત વજીર. એવામાં કશોક સળવળ્યું એ બાજુ વજીરે નજર ફેરવી તો દેખાયું કે નગરના સૌથી મોટા વેપારીનો દીકરો દુકાન વધાવી રહ્યો હતો. દુકાનને તાળું મારી એ શખસ બહાર ઓટલા પર બેઠો. પછી આજુબાજુ નજર ફેરવી એણે રસ્તા પાસેથી જતી ગટરમા હાથ નાખી હથેળીમાં પાણી લીધું. એ પાણી એણે પોતાની ચૂનાની દાબડીમાં નાખ્યું અને પછી તમાકુ કાઢી ચૂના સાથે મસળી મોઢામાં મુકી ઊભો થયો. વજીર આ દૃશ્ય જોઇ પહેલા દંગ રહી ગયો પછી તેના મગજમાં ચમકારો થયો. બીજે દિવસે સવારે રાજા પાસે જઇ તેણે જણાવ્યું કે પેલી ભિખારણ સ્ત્રીના સંતાનનો પિતા બીજો કોઇ નહીં પણ નગર શેઠનો પુત્ર છે. નગરશેઠના પુત્રને દરબારમાં લાવવામાં આવ્યો. થોડીક આનાકાની પછી એણે માન્ય કર્યું કે પેલી ભિખારણના સંતાનનો પિતા એ પોતે જ છે. રાજાએ વજીરને આ વાત કેમ જાણી એવું પૂછ્યું તો વજીર બોલ્યો, “અન્નદાતા, જે માણસ પોતાની તલપ છીપાવવા નાળાનું પાણી લઇ સૂકાઇ ગયેલા ચૂનાને ભીનો કરી તમાકુ ખાય એ માણસ શું ન કરી શકે?”

22/01/1998, ગુરુવારના રોજ મુંબઇ સમાચારમાં પ્રસિદ્ધ રણકાર, જેના લેખક સંજય વિ. શાહ છે. તેઓ આ કટાર કલ્પના જોશીના ઉપનામે લખતા હતા.