સંજય વિ. શાહ (Pen Name: કલ્પના જોશી)


સંજય વિ. શાહ (Pen Name: કલ્પના જોશી)
ભારતમાં ભિક્ષુકોની તંગી નથી. હાલમાં ચાલતાં આપણને ભિક્ષુકો ભટકાય છે. મુંબઇમાં લોકલ ટ્રેનમાં, ટ્રાફિક સિગ્નલ પર, પિકનિક સ્પોટ પર ભિક્ષુકોનો સામનો કરવો એ રોજિંદી ઘટના છે. “બે હાથ ને બે પગ સાજા હોવા છતાં ભીખ માગતા શરમ નથી આવતી ’’ એવું કે “ભીખ આપીને કોઈની આદત મારે બગાડવી નથી’’ એવું વિચારીને ઘણા જણ તિરસ્કારની ભાવનાથી ભિક્ષુકોને ઉતારી પાડે છે.
સુશિક્ષણ પામ્યાની સમજ શહેરજનો પર સવાર છે એની આ અસર છે. આવા જ એક સુશિક્ષિત સ્વામી વિવેકાનંદને એકવાર કહ્યું કે સાજાસમા માણસને ભીખ મારે શા માટે આપવી, કેમ કે વગર મહેનતની કમાણીમાંથી ભિક્ષુકો ચરસગાંજા ખરીદીને પોતાનાં જીવન બદરબાદ કરે છે.
વિવેકાનંદે જવાબ આપ્યો, “તમારું કામ જરૂરિયાતમંદને મદદ કરવાનું છે… નગણ્ય જેવી મદદ કરવામાં આટલા ઊંડા વિચારો કરીને શક્તિ વેડફવા કરતાં એ શક્તિને વધુ સારા કાર્યમાં વાપરવી જોઇએ… અને પેલો ભિક્ષુક થોડોક ચરસગાંજો લઇને રસ્તાને ખૂણે પડયોપાથર્યો રહે છે એ પણ અનુચિત નથી… સીધી રીતે નાની નાની મદદ મળે છે એટલે જ આ લોકો મોટાં પાપ આચરતા નથી… પોતાનાં વ્યસનને ચલાવવા આ લાકો માગ્યાથી ન મળે તો ચોરી અને ઉત્પાત કરતા થઇ જશે… સરવાળે સમાજ આખો મુશ્કેલીમાં મુકાશે. ’’
આ વાત ઊંડો વિચાર માગી લે એવી છે. તમનેય એવું લાગે છે ખરું.