સંતોષ એ જિંદગીનો વિસામો છે

ઘાટ વિણ પથ્થર જૂઓ તો પગ તળે અફળાય છે

ટાંકણે ટીચાય તે ઇશ્વર બની પૂજાય છે

વાંસ નક્કર હોય તો તેઓ નથી કંઇ કામના

નિત ચુમાયે હોઠથી પોલાણ જો છેદાય છે

– આતિશ પાલનપુરી

 

બહુ જાણીતી એવી એક વાત અને એનું આ શાયરી રૂપ. નાથીયો જોતજોતામાં નાથાલાલ થઇ ગયો અને હું ઠેરનો ઠેર રહી ગયો, એવી લાગણી કોણ જાણે કેટલા કરોડ હૃદયમાં ઘર કરી ગઇ હશે. નસીબ ઘણી વાર એવા પણ ખેલ ખેલે છે કે ખરેખર પુરુષાર્થ કરનારને યોગ્ય બદલો નથી મળતો. એક રીતે જૂઓ તો જીવનની સફળતાનો માપદંડ પૈસો નથી પણ આજના ભૌતિકતાવાદના સમયમાં આ માપદંડ ખોટા કે અયોગ્ય લાગે છે. તો પછી સાચી વાત કઇ? સત્ય કદાચ એ છે કે સફળતા તો આભાસ છે અને સંતોષ એનું દર્શનીય સ્વરૂપ. વન રૂમ કિચનના ફ્લેટમાં જે સંતોષ પ્રવર્તતો હોય છે એ ઘણીવાર બંગલા કે ડુપ્લેક્સ ફ્લેટમાં ન મળેઃ ટીચાઇ ટીચાઇને એક પથરો પૂજનીય સ્થાન ભોગવે તો જરૂરી નથી કે બીજો પથરો ઘંટીમાં ન વપરાય. ધારો તો જે મળતું હોય કે જે મળી ચૂક્યું હોય એ થોડુંક છતાં અધધધ જ હોય બાકી અધધધ મળ્યા પછી પણ જીવ અતૃપ્ત જ હોય, રઘવાયો જ હોય. મુદ્દાની વાત એ છે કે તમારે તમારા કામને, પુરુષાર્થને વફાદાર રહેવાનું છે. આ વફાદારી ન હોય એટલે સમજી જવું બધું ગયું. અને હા, પથ્થરને ટીચવા શિલ્પી આવશે, તમને ટીચવા, મઠારવા, ઘડવા, ઘસવા તમારે જ મચી પડવાનું છે.

 

15/01/1998, ગુરુવારના રોજ મુંબઇ સમાચારમાં પ્રસિદ્ધ રણકાર, જેના લેખક સંજય વિ. શાહ છે. તેઓ આ કટાર કલ્પના જોશીના ઉપનામે લખતા હતા.