સ્વભાવની નમ્રતા જ્યાં પૂરી થઇ જાય ત્યાં માણસનું અભિમાન છલકે છે

ઘણા માણસો પોતાના વિશે ટિપ્પણી કરતી વખતે ‘હું’ ને બદલે ‘આપણે’ શબ્દ પ્રયોજે છે. સંભાળજો, આવા માણસો પર ઝાઝો વિશ્વાસ કરવા જેવો નથી અને યાદ રાખજો, દુનિયામાં સોમાંથી પંચાણું જણ આ પ્રમાણે જ બોલતા હોય છે. આ લોકોની ખાસિયત (કે નબળાઇ) એ હોય છે કે તેઓ પોતાની જાતને સર્વગુણ સંપન્ન છત્રીસ લક્ષણા રાજા હરિશચંદ્રના વંશજ ગણે છે. આવા માણસોની વાતોમાં ભારોભાર અતિશયોક્તિ અને પોતાની જાત માટેનો મિથ્યાભિમાન સતત ટપકે છે. આવા લોકોના અમુક ટીપિકલ વાક્ય કંઇક આવાં હોય છે: આપણને ખોટું બોલવું આવડતું જ નથી; આપણને મોઢા પર તડ ને ફડ કહી દેવાની આદત છે. આપણી બધે ઓળખાણ છે શું; આપણો તો આ દુનિયા પરથી વિશ્વાસ જ ઊઠી ગયો છે. વાસ્તવમાં, પોતાની ઓળખ આપતી વખતે ‘હું’ ને બદલે ‘આપણે’ બોલવું એ જ બતાવે છે કે આવા લોકો પોતાને અન્યથી મુઠ્ઠી ઊંચેર અને અદકરા સમજતા હોય છે. સ્વભાવની નમ્રતા જ્યાં પૂરી થઇ જાય ત્યાં માણસનું અભિમાન આવા તુચ્છ શબ્દોને સહારે ટપકવા માંડે છે. ઘણું મુશ્કેલ છે પોતાના પગ ધરતી પર રાખીને ખરા અર્થમાં ‘ડાઉન ટુ અર્થ’ જીવવું. આ બાબત ખૂબ સામાન્ય લાગતી હોવા છતાં તમારા જીવન ઘડતરમાં, તમારી ઇમેજ ઊભી કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આપણે ગમે તેટલા વિશિષ્ટ હોઇએ પણ આપણી વિશિષ્ટતા આપણા પર્તનમાંથી ટપકવી જોઇએ, નહીં કે પોકળ વાતોનાં બણગામાંથી. બાય ધ વે, તમે તો બાકીના પાંચમાંના જ એક છો ને?

03/01/1998, શનિવારના રોજ મુંબઇ સમાચારમાં પ્રસિદ્ધ રણકાર, જેના લેખક સંજય વિ. શાહ છે. તેઓ આ કટાર કલ્પના જોશીના ઉપનામે લખતા હતા.