Articles from: March 2015

લાઇક હસમુખ ગાંધી, લાઇક વિનોદ મહેતા

GahndhiMehta

લાઇક હસમુખ ગાંધી, લાઇક વિનોદ મહેતા
સંજય વિ. શાહ

“ચાલો ચાલો, સ્ટેશન જઇને આઉટલૂક મેગેઝિન લઇ આવીએ. ગરમાગરમ ફાફડા જેવું…” ગુજરાતી પત્રકારત્વના મોડર્ન ભીષ્મ પિતામહ હસમુખ ગાંધી આવું બોલતા ત્યારે તેમની આંખોમાં બાળસહજ જિજ્ઞાસા ઝગમગવા માંડતી. નવાઇ લાગતી. જેમને વાચવા લાખો ગુજરાતીઓ તલપાપડ રહે છે, જેમના પર સમરકંદ બુખારા ઓવારી જાય છે એવા મારા (એટલે આપણા) ગાંધીભાઇ શા માટે આ નવા મેગેઝિન માટે દર અઠવાડિયે ઘાંઘા થાય છે? વિનોદ મહેતાની ક્ષમતાથી ત્યારે હું અપરિચિત. ગાંધીભાઇની ક્ષમતાથી અભિભૂત. 1984ની 14 જાન્યુઆરીએ (આપણે બાપડા ત્યારે જસ્ટ સવાઅગિયાર વરસના!) સમકાલીન લોન્ચ થયું, 80 પૈસામાં. દૂરદર્શન પર એની શોર્ટ એન્ડ સ્વીટ જાહેરાત ઝબૂકતી. વાચવાનો વા એ ઉંમરે જ એવો ભરાયો હતો પંડમાં કે નક્કી કરી નાખ્યું, “આ નવું છાપું વાચવું પડશે. જે ગુજરાતી છાપાની ટીવી પર એડવર્ટાઇઝ આવે એ જેવુંતેવું છાપું હોઇ જ શકે નહીં.” ખરેખર, ટીવીમાં જાહેરાત એટલે એ જમાનામાં મોટી વાત. ગુજરાતી તરીકે એવી છાતી ફુલાય પેલી એડવર્ટાઇઝ જોઇને. ત્યારે ખબર નહોતી કે એક જાહેરાત આપણને લાઇફટાઇમ માટે ગાંધીભાઇના પ્રેમમાં પાડી દેશે, શેર બજારની જંજાળ છોડાવીને પત્રકાર બનાવી દેશે. થેન્ક યુ, ગાંધીભાઇ!
સમકાલીન માટે મેં પોતે જેવી જિજ્ઞાસા મારામાં જોઇ હતી તેવી આઉટલૂક માટે ગાંધીભાઇમાં મેં જોઇ હતી. અભિયાન ગ્રુપના ઇવનિંગર સમાંતર પ્રવાહમાં તાજા જોડાયેલા પત્રકાર તરીકેના એ દિવસો હતો. હસમુખ ગાંધી અને મારે ત્યાં જ એવો સંબંધ થયો જેને કદાચ ગુરુ-શિષ્ય કે બાપ-દીકરાનો સંબંધ કહું તો પણ એ સંબોધનનો પનો ટૂંકો જ પડે લાગણીઓ સમજાવવા. એ જો કે પસર્નલ વાત થઇ. ગાંધીભાઇ અને હું, દસ રૂપરડીનું આઉટલૂક ખરીદવા નીકળી પડતા, મોડી સાંજે. મેગેઝિનની પ્રાઇસ કરતાં વધારે ખર્ચ રિક્શાનો બેસતો. વળી ગાંધીભાઇને એકલા જવા દેવાય નહીં. નબળી દ્રષ્ટિને લીધે ક્યાંક પડ્યા-આખડ્યા તો… અને પોતે જઇને તેમના માટે મેગેઝિન લાવી શકાય નહીં. ગોવર્ધન-સાઇઝ દેવામાં ડૂબ્યો હું… દસ રૂપરડી કાઢવાને સમર્થ નહોતો. એટલે સવારી નીકળી પડતી, હિંદુસ્તાન નાકાથી કાંદિવલી સ્ટેશન, “ચાલો ચાલો, આઉટલૂક લઇ આવીએ!”
ભલે દર અઠવાડિયે અભિયાનનો બાંધેલો છાપાવાળો તો આઉટલૂકની બે-ત્રણ કોપી આપી જ જવાનો હોય. સો વ્હોટ? આઉટલૂક વાચવા માટે એની વેઇટ કરવી કેમ પરવડે? આ હતો ગાંધીભાઇનો એટિટ્યુડ, સ્પષ્ટ મત. મનમાં થતું, “ઇન્ડિયા ટુડેથી વિશેષ વળી શું નીકળવાનું આ આઉટલૂકમાં?” દર અઠવાડિયે ગાંધીભાઇ સાથે આઉટલૂક લાવ્યા પછી, અને ગણતીરીની મિનિટોમાં ગાંધીભાઇ આખું મેગેઝિન ઘોળીને પી (મીન્સ વાચી) જાય પછી, એ મેગેઝિન મારું થઇ જતું. ગાંધીભાઇની ટિપ્સ સાથે, “આ આર્ટિકલ વાચજો, તગડો છે. આજે તો વિનોદ મહેતાની ડાયરી છે… ડબલ પૈસા વસૂલ થઇ ગયા!”
આઉટલૂક અને વિનોદ મહેતા ત્યારથી કાયમ માટે (ના, તેમણે પ્રવૃત્તપણે મેગેઝિનનો અખત્યાર મૂક્યો ત્યાં સુધી) અતૂટ નાતો બંધાઇ ગયો. ભલે એની કોંગ્રેસતરફી કે કહેવાતી ધર્મ નિરપેક્ષતા તરફી, એન્ટી બીજેપી કે હિંદુવાદ વિરોધી પોલિસી સામે સખ્ખત વાંધો હોય, તો પણ. નેવુંના દાયકાના મધ્યભાગમાં, ઇન્ડિયન એક્સેપ્રેસ (અને શિશુ અવસ્થામાં આકાર પટેલના ફાયર બ્રાન્ડ જર્નલિઝમમાં એ પછીની ચોગ્ગા-છક્કા ફટકારનાર એશિયન એજની મુંબઇ એડિશન) સિવાય ઇંગ્લિશ જર્નલિઝમ બહુધા નિસ્તેજ, બૂઠ્ઠું અને તડાકા વગરનું હતું. ઇંગ્લિશ જર્નલિઝમનાં ઓશિયાળાં (કાપલી કરો, ટ્રાન્સલેટ કરો, છાપી નાખો) બિન-અંગ્રેજી છાપાં તો તેમના કરતાંય ટાઢાબોળ પડેલાં. એવામાં વિનોદ મહેતાએ ડંકો વગાડ્યો. એક એકથી ચડિયાતી ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરીઝ, અથવા રૂટિન સ્ટોરી માટે અ-રૂટિન દ્રષ્ટિકોણ સાથે આઉટલૂકે ઇન્ડિયા ટુડેને પહેલા અંકથી પરસેવો છોડાવવા માંડ્યો. વિનોદ મહેતાને વાચતાં, આઉટલૂકમાં ઓળઘોળ થતાં, જર્નલિઝમનાં ઘણાં વણદીઠાં પાસાં મારી સામે ઉજાગર થવાં માંડ્યાં. એમાં વળી ઓલરેડી વાચેલી આઉટલૂકની કોઇક સ્ટોરી પર ગાંધીભાઇનો એકસ્ટેન્ડેડ વ્યુ. સોને પે સુહાગાને આટલી હદે સાર્થક થતા મેં બહુ ઓછી વાર અનુભવ્યું છે.
શરૂઆતમાં થતું, “વિનોદ મહેતા પણ ગુજરાતી, ગાંધીભાઇ પણ ગુજરાતી. વાહ!” પછી પણ વાહ તો અકબંધ જ રહ્યું, ભલે આ મહેતા આપણા ગુજરાતી નહોતા. જર્નલિઝમ કેવું હોવું જોઇએ એનો આયનો તો આઉટલૂક પહેલેથી જ બન્યો, સાથે જર્નલિસ્ટ કેવી રીતે ઘડવા જોઇએ એનો પરચો પણ આઉટલૂકે આપ્યો. ડિટ્ટો જેમ ગાંધીભાઇની એડિટરશિપમાં સમકાલીને જર્નલિસ્ટથી માંડીને પ્રૂફરીડર્સની ફોજ સર્જી, તેમ. ઇન ફેક્ટ, ગુજરાતી પત્રકારત્વ આજે પણ ગાંધીભાઇએ તૈયાર કરેલા પત્રકારોની ફોજ પર જ સૌથી વધુ અવલંબિત છે. વિનોદ મહેતાની એડિટરશિપમાં આઉટલૂકે પણ ઢગલો પત્રકારોને થિન્કિંગ પ્રોસેસરનું પરફેક્શન આપ્યું, ઇન્વેસ્ટિગેશન કરવાની ધાર આપી.
2012 સુધી મહેતાએ આઉટલૂકને પેટના જણ્યાની જેમ ઉછેર્યું અને અવ્વલ બનાવ્યું. ઇન્ડિયા ટુડે સાથે બીજાં ઘણાં ઇંગ્લિશ (અને પછી બિન-ઇંગ્લિશ) મેગેઝિન્સે આઉટલૂકના જર્નલિઝમ સાથે તેના પેકેજિંગ, માર્કેટિંગ, સબસ્ક્રિપ્શન સ્કીમથી માંડીને કેટકેટલી ચીજોની નકલ કરવી પડી. છૂટકો જ નહોતો. કોઇ સર્વે ભલે નથી થયો છતાં એવું અનુમાન ચોક્કસ લગાડી શકાય કે આઉટલૂકે લાખો યુવાઓને વાચક બનાવ્યા. ટેવિવિઝનની દાદાગીરીના યુગમાં પ્રિન્ટ મીડિયાને જેવા મેગેઝિનની જરૂર હતી એવું એ બન્યું. છતાં, ગાંધીભાઇની જેમ વિનોદ મહેતા મોટેભાગે લૉ પ્રોફાઇલ જ રહ્યા. મેગેઝિનની સીધી જવાબદારીથી હળવાશ મેળવ્યા પછી ભલે બકવાસ ન્યુઝ ચેનલ્સની થાકેલી ચર્ચાઓમાં એ ભાગ લેતા થયા, એ વાતે અપવાદ જ ગણાય. સાચે તો તેમણે એવી રાતે લાઇમલાઇટમાં આવવાની જરૂર નહોતી, એવો મારો અંગત મત છે.
તડાફડીવાળું પત્રકારત્વ ઘણા કરી શકે પણ લાંબા સમય સુધી, સાતત્ય સાથે નહીં. ગાંધીભાઇની જેમ જ વિનોદ મહેતા આ મામલે અપવાદ રહ્યા. હવે તેઓ નથી રહ્યા. શરીરે વિદાય લીધી છે પણ લખનઊ બોયનાં લખાણ, તેમનું વિઝન આપણી સાથે છે. વાચકો માટે આળઘોળ થવા અને પત્રકારો માટે એન્લાઇટન થવા. જે રીતે ગાંધીભાઇનાં લખાણ (હાથે લખેલાં અને છપાયેલાં, બેઉ) આજીવન સાચવવાનો ઉમળકો કાયમ રહ્યો છે, તે રીતે વિનોદ મહેતાનાં આઉટલૂકનાં લખાણ, ખાસ તો ડાયરી પેજીસ, સાચવવાનો મોહ મનમાં કાયમ રહ્યો છે. ગાંધીભાઇની એક્ઝિટથી ગુજરાતી પત્રકારત્વમાં ત્રીજું (અને અત્યાર સુધીનું) છેલ્લું સુવર્ણ પ્રકરણ પૂરું થયું હતું. આપણા પત્રકારત્વ કરતાં ક્યાંય વિસ્તૃત ઇંગ્લિશ જર્નલિઝમમાં વિનોદ મહેતા પછી આવો અવકાશ ના સર્જાય તેવી આશા સેવીએ. ગુડ બાય, વિનોદ મહેતા!

Right Column Widgets

Welcome to the Right Column for the Evening Shade theme. You can put a variety of widgets in this location and to manage where they are published in your site, you can download the Widget logic plugin.