Articles from: July 2015

પરિવર્તન એ જીવનનો નિયમ છે

આપણે બધા ભિખારીઓ છીએ.

આપણે જે કંઇ કરીએ, તેનું વળતર ઇચ્છીએ છીએ.

આપણે બધા વાણિયા છીએ. આપણી જિંદગીનો વેપાર કરીએ છીએ,

આપણે નીતિનો વેપાર કરીએ છીએ. આપણે ધર્મનો પણ વેપાર કરીએ છીએ. અરેરે!

આપણે પ્રેમનો પણ વેપાર કરીએ છીએ.

– સ્વામી વિવેકાનંદ

 

લોસ એન્જેલીસ શહેરમાં ઇ.સ. 1900ની ચોથી જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદે ‘કર્મ અને તેનું રહસ્ય’ એ વિષય પર એક વ્યાખ્યાન આપ્યું હતું, જેમાં તેમણે ઉપરની વાત કરી હતી. આજે લગભગ સો વરસ પછી પણ માણસની વૃત્તિ આવી જ છે. એક હાથ સે દો, દૂજે હાથ સે લો, એ જીવનની ફિલસૂફી છે આજે. શા માટે? માન્યું કે મારી, તમારી, આપણી આસપાસ બધા જ લોકો સ્વાર્થી હશે. માન્યું કે અહીંયા દરેક જણ બીજાને ચૂસી લેવા, નીચોવી લેવા ટાંપીને બેઠો છે, પણ પરિવર્તન શું ખરેખર શક્ય નથી? શક્ય છે. દુનિયાની મહાન વ્યક્તિઓની જીવનગાથા પર એક દ્રષ્ટિપાત ફેરવીએ તો આ સત્ય સ્પષ્ટપણે સમજાય છે. જરૂર છે પોતાનાથી આ પરિવર્તનની પહેલ કરનાર માણસની. દરેક જણ એવું જ વિચારશે કે હું શા માટે પહેલો તો પછી પરિવર્તન આવશે ક્યારે? આપણે પરમ પરોપકારી ભલે ન બનીએ, વાંધો નહીં પણ આપણે કોઇના માટે થોડું ઘણું જતું કરી શકીએ તેમ છીએ. આવનારી પેઢીઓ જ્યારે આજની પેઢીના ઇતિહાસને વાંચે ત્યારે તેને માર્ગદર્શન મળી શકે તેવું એને કશુંક તો મળવું જોઇએ ને? આજથી, અત્યારથી એટલું નક્કી કરો કે તમારે તમારા પછીની પેઢી માટે કંઇક કરી જવું છે. વળતરની ખેવના રાખ્યા વિના કોઇકના ભલા માટે રોજ માત્ર એક કાર્ય કરવાનો નિશ્ચય કરો.

 

09/01/1998, શુક્રવારના રોજ મુંબઇ સમાચારમાં પ્રસિદ્ધ રણકાર, જેના લેખક સંજય વિ. શાહ છે. તેઓ આ કટાર કલ્પના જોશીના ઉપનામે લખતા હતા.

આત્મવિશ્વાસ એ સફળતાની શરૂઆત છે

ક્યારેક હું શું કરવા ઇચ્છું છું એ, જાણવાનો મારી પાસે એક જ વિકલ્પ હોય છેઃ આગળ વધો અને કશુંક કરવાનો.

પછી, એકવાર શરૂઆત થઇ જાય, એટલે મારી લાગણીઓ સ્પષ્ટ થતી જાય.

જો કે એક વાત તો નિત્ય સ્પષ્ટ જ રહી છે કે જ્યારે જ્યારે,

અને જે જે કાર્ય મેં થોડાક અવિશ્વાસ અને ભય સાથે હાથ ધર્યા છે એ

બધાંનાં પરિણામમાં પણ અધૂરપ રહી છે.

 

હ્યુ પ્રેથર નામના એક લેખકે પોતાના એક પુસ્ત ‘માય સ્ટ્રગલ ટુ બિકમ એ પરરત્ન’માં પોતાના અનુભવો વિશેની ટૂંકી નોંધ પોતાને સંબોધીને લખી છે ‘નોટ્સ ટુ માયસેલ્ફ’. સારી શરૂઆત એ કાર્ય અડધું પૂરું થયાની નિશાની છે, એવી એક ઉક્તિ છે. નવું કાર્ય હાથમાં લેતી વખતે તમારો આત્મવિશ્વાસ છલોછલ હોય એટલું પૂરતું નથી પણ તમને તમારી શક્તિઓમાં પૂર્ણ શ્રદ્ધા પણ હોવી જોઇએ. આ કાર્ય બરાબર પાર નહીં પડે તો? એવા ભય સાથે ઉપાડેલું કાર્ય ઘણીવાર ખોટા ભયને લીધે જ બગડી જતું હોય છે. બધુ બરાબર પાર પડશે એવી માનસિકતા કેળવવાથી ઘણી સમસ્યાઓને ઉગતી જ ડામી દેવામાં સફળતા મળે છે.

સકારાત્મક અભિગમની મહત્તા અનેક ચિંતકોએ સ્વીકારી છે. અને જ્યારે કાર્ય હાથમાં લીધું જ છે પછી પાછીપાની શા માટે કરવી. પાણીમાં પડનારને તરતા આવડી જાય અને બહાર ઊભા ઊભા હું ડૂબી જઇશ તો એવું વિચાર્યા કરનાર કશું જ ઉકાળી શકતો નથી. આગળ વધો, વિશ્વાસ સાથે, જોમ સાથે થનગનાટ સાથે પછી માર્ગમાં આવનારી વિરાટ મુશ્કેલીઓ પણ તુચ્છ અને સામાન્ય લાગવા માંડશે.

 

07/01/1998, બુધવારના રોજ મુંબઇ સમાચારમાં પ્રસિદ્ધ રણકાર, જેના લેખક સંજય વિ. શાહ છે. તેઓ આ કટાર કલ્પના જોશીના ઉપનામે લખતા હતા.

સ્વભાવની નમ્રતા જ્યાં પૂરી થઇ જાય ત્યાં માણસનું અભિમાન છલકે છે

ઘણા માણસો પોતાના વિશે ટિપ્પણી કરતી વખતે ‘હું’ ને બદલે ‘આપણે’ શબ્દ પ્રયોજે છે. સંભાળજો, આવા માણસો પર ઝાઝો વિશ્વાસ કરવા જેવો નથી અને યાદ રાખજો, દુનિયામાં સોમાંથી પંચાણું જણ આ પ્રમાણે જ બોલતા હોય છે. આ લોકોની ખાસિયત (કે નબળાઇ) એ હોય છે કે તેઓ પોતાની જાતને સર્વગુણ સંપન્ન છત્રીસ લક્ષણા રાજા હરિશચંદ્રના વંશજ ગણે છે. આવા માણસોની વાતોમાં ભારોભાર અતિશયોક્તિ અને પોતાની જાત માટેનો મિથ્યાભિમાન સતત ટપકે છે. આવા લોકોના અમુક ટીપિકલ વાક્ય કંઇક આવાં હોય છે: આપણને ખોટું બોલવું આવડતું જ નથી; આપણને મોઢા પર તડ ને ફડ કહી દેવાની આદત છે. આપણી બધે ઓળખાણ છે શું; આપણો તો આ દુનિયા પરથી વિશ્વાસ જ ઊઠી ગયો છે. વાસ્તવમાં, પોતાની ઓળખ આપતી વખતે ‘હું’ ને બદલે ‘આપણે’ બોલવું એ જ બતાવે છે કે આવા લોકો પોતાને અન્યથી મુઠ્ઠી ઊંચેર અને અદકરા સમજતા હોય છે. સ્વભાવની નમ્રતા જ્યાં પૂરી થઇ જાય ત્યાં માણસનું અભિમાન આવા તુચ્છ શબ્દોને સહારે ટપકવા માંડે છે. ઘણું મુશ્કેલ છે પોતાના પગ ધરતી પર રાખીને ખરા અર્થમાં ‘ડાઉન ટુ અર્થ’ જીવવું. આ બાબત ખૂબ સામાન્ય લાગતી હોવા છતાં તમારા જીવન ઘડતરમાં, તમારી ઇમેજ ઊભી કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આપણે ગમે તેટલા વિશિષ્ટ હોઇએ પણ આપણી વિશિષ્ટતા આપણા પર્તનમાંથી ટપકવી જોઇએ, નહીં કે પોકળ વાતોનાં બણગામાંથી. બાય ધ વે, તમે તો બાકીના પાંચમાંના જ એક છો ને?

03/01/1998, શનિવારના રોજ મુંબઇ સમાચારમાં પ્રસિદ્ધ રણકાર, જેના લેખક સંજય વિ. શાહ છે. તેઓ આ કટાર કલ્પના જોશીના ઉપનામે લખતા હતા.

સંયુક્ત પરિવારમાં ખુશી વધારે હોય છે

આ ઘરની ભીંતો ને ઝાંપો, એને એવો ધક્કો આપો

આઘે દૂર ક્ષિતિજે સ્થાપો, ત્યાર પછી જૂઓ!

ઘરની આ સંકડાશ ન રહેશે, ઓછો કૈં અજવાશ ન રહેશે

ગૂંગળામણના શ્વાસ ન રહેશે, ત્યાર પછી જીવો!

– મનોજ ખંડેરિયા

 

દુનિયામાં બહુ ઓછા લોકો પોતાની દુનિયાને ‘હું’ ‘મારું’ કે ‘અમારું’થી વધુ વિસ્તારી શકે છે. ઘટનાઓને, રોજિંદી દિનચર્યાઓને, જરૂરિયાતોને અને અપેક્ષાઓને પોતાના સ્વની આસપાસ ફેરવ્યે રાખતો જણ ક્યારેય કોઇના માનને પાત્ર બની શકતો નથી. એ પણ સાચું કે આજની સ્વાર્થભરી દુનિયામાં ભલા પરોપકાર અને સર્વોદય જેવી લાગણીઓ રાખવી શા માટે? છતાં પણ કોઇકના ખાતર જીવવામાં જે મજા છે એ બંધિયાર વિચારધારાથી વધુ ફળદાયી, સંતોષદાયી છે. અજાણ્યા ડ્રાઇવરની અજ્ઞાત કારની હડફેટે આવી ગયેલા કોઇક માણસને પોલીસની પૂછપરછની બીકે મદદ ન કરવી એ તો કાયરતા છે. સંયુક્ત પરિવારની પ્રથાને અધ્ધર મૂકી દીધા પછી હવે આપણે સૌ વિભક્ત કુટુંબ પ્રથામાં માનતા થયા છીએ. પરિણામે, આજે જ્યારે પરિવારની વ્યાખ્યા આપવાની આવે ત્યારે હું, મારી પત્ની અને મારાં બાળકોથી આગળનું કશું જ આપણને દેખાતું નથી. આવી જડ (અને ખરેખર તો સ્વાર્થી) બુદ્ધિને, વિવેકબુદ્ધિ અથવા સમજદારી અથવા સમયની માગમાં ખપાવતાં પણ શરમ નથી આવતી આપણને વિશ્વને થોડુંક વિસ્તારવાની જરૂર છે સૌએ. પાડોશીના ઘરની અંગત બાબતોમાં માથું ન મારવું પણ પાડોશીની સમસ્યામાં ક્યારેક ભાગ પડાવવો જોઇએ. આજનું જીવન નીરસ, ઉદાસીન, અર્થહીન અને પાંગળું છે. કદાચ આપણી આ ખામીઓને લીધે. ઘરની ભીંતોની વ્યાખ્યા આપવાની આવે ત્યારે તમારી વિચારશક્તિને થોડીક વધુ સુધારાવાદી બનાવી વિસ્તૃત વ્યાખ્યા આપવાનો આજથી પ્રયત્ન કરજો. શક્ય છે આવતી ક્ષણથી આ દુનિયામાં સર્વસ્વ તમને પોતીકાપણું જ લાગવા માંડશે. શક્ય છે તમારા અંતરમાં અજવાશનો અખૂટ સ્ત્રોત સર્જાશે. શક્ય છે.

01/01/1998, ગુરુવારના રોજ મુંબઇ સમાચારમાં પ્રસિદ્ધ રણકાર, જેના લેખક સંજય વિ. શાહ છે. તેઓ આ કટાર કલ્પના જોશીના ઉપનામે લખતા હતા.

ન આવડવા કરતા શીખવું વધારે મહત્વનું છે.

અપની મર્ઝી સે કહાં અપને સફર કે હમ થે

રૂખ હવાઓં કા જિધર કા ઉધર કે હમ થે

 

મોટાભાગના માણસો, ખાસ કરીને મધ્યમ વર્ગના, આખું જીવન લઘુતાગ્રંથિથી પીડાતા રહે છે. ઓછી આવડત કે અણઆવડત નહીં પણ માણસનો અસંતોષ અને જાત પ્રત્યેનો અવિશ્વાસ એની લઘુતાગ્રંથિને વિકસાવતો હોય છે. દક્ષિણ આફ્રિકામાં સામાન્ય બૅરિસ્ટર તરીકે કારકિર્દી બનાવવા ગયેલા મોહનદાસ ગાંધી ભારત આવ્યા અને થોડાક દાયકા પછી રાષ્ટ્રપિતાનું પદ પામ્યા. ગાંધીજીના જીવનમાંથી શીખીએ એટલું ઓછું. એ વ્યક્તિને જીવનના સાવ સામાન્ય તબક્કામાં પણ પોતાનામાં ભારોભાર વિશ્વાસ હતો. અને આપણે લોકો? એકાદ સારા ફંક્શનમાં મામુલી પોશાક પહેરીને જઇ ચડીએ ત્યારે આપણે અસહ્ય તાણ અનુભવીએ છીએ. માતૃભાષામાં શિક્ષણ લેનાર યુવાન જ્યારે મારફાડ અંગ્રેજી બોલતા લોકો વચ્ચે પહોંચી જાય છે ત્યારે એ ‘ફસાઇ ગયા’ની લાગણી અનુભવે છે. માણસે પોતાની મર્યાદાઓ સ્વીકારવી જોઇએ અને તો જ કદાચ એ મર્યાદાઓ, ખામીઓ, ઉણપો દૂર કરવાનો માર્ગ મળે. જીવનની એક-એક ક્ષણનો અનુભવ તમારામાં કશુંક ઉમરેતો જાય છે. તમારો તમારી જાતે પ્રત્યેનો વિશ્વાસ અને કોઇનાથી ન અંજાઇ કે ન ગભરાઇ જવાની મનસ્થિતિ તમારી પ્રગતિનો પાયો છે. ‘સૈલાબ’ સિરિયલના ટાઇટલ સોંન્ગના આ શબ્દોમાં જે નિરાશાવાદ છે એ વાંચી (કે સાંભળીને) આ પહેલા કદાચ તમે તમારા જીવનને એની સાથે સરખાવ્યું હતું? જો જવાબ હા હોય તો આવી ભૂલ ફરી ન કરવાનું વચન તમારે પોતાની જાતને આપવાનો શ્રેષ્ઠ સમય આ જ છે.

 

30/01/1998, શુક્રવારના રોજ મુંબઇ સમાચારમાં પ્રસિદ્ધ રણકાર, જેના લેખક સંજય વિ. શાહ છે. તેઓ આ કટાર કલ્પના જોશીના ઉપનામે લખતા હતા.

જિંદગી જીવવા માટે છે, જીરવવા માટે નહીં

મટકુંય નથી માર્યું હજી એક, તહીં જ આ, હાથતાળી દઇ વીતી ગયાં શું વર્ષ આટલાં? ગયા દાંત, જવા માંડ્યા વાળ ને કાચ જર્જર થવા લાગી. બધું એ તો ઠીક રે! કાલ કાલનું કામ કરી રહ્યોઃ તેનો શોક શો? હર્ષ વા કશો?

– મનસુખલાલ ઝવેરી

 

દુનિયામાં ઘણા લોકો એવા હોય છે જે કલ કરે સો આજ કર, આજ કરે સો અબની ઉક્તિને અનુસરતા હોય છે. અમુક દોઢડાહ્યાઓએ આ નિયમનું વિકૃત રૂપ બનાવી આજ કરે સો કલ કર, કલ કરે સો પરસો, અરે, કાહે કી ચિંતા હૈ જબ જીના હે બરસો એવો જીવનક્રમ અપનાવ્યો હોય છે. અને વડીલોને પૂછીએ તો ખબર પડે કે જીવનની ધસમસતી ગતિમાં ઉંમરનાં પચાસ, સાઇઠ, સીત્તેર-એંસી વરસ ક્ષણબેક્ષણમાં ઓગળી જાય છે. આપણે વિધિના લેખ ભલે બદલી ન શકીએ, પણ આપણે માનવી તરીકેની આપણી સામાજિક ફરજ તો સુપેરે અદા કરી શકીએ ને. સોહરાબ મોદીની એક યાદગાર ફિલ્મમાં એક સંવાદ છે. “જિંદગી દેને કે લિયે હૈ, લેને કે લિયે નહીં” અને બંને હાથે ધન, કીર્તિ, સુખ, ઐશ્વર્ય, મોભો ઉસેડતા લોકો ન જીવનને માણી શકે છે કે ન બીજાને કશું આપી શકે છે અને જો તમે આયખાના આખરી તબક્કામાં પણ મધ્યમવર્ગ કે ગરીબવર્ગના જ પ્રતિનિધિ રહી ગયા તો તમારા જીવનને મુલવવા તમારી સંપત્તિને માપદંડ ન બનાવતા યાદ રાખો વધતી ઉંમર મટકું મારવા પણ થોભતી નથી. જેવું મળ્યું, જેટલું મળ્યું, જીવન તમારું પોતાનું છે. અને એને માણવા ન માણવાનો નિર્ણય તમારે જ લેવાનો છે.

 

19/01/1998, સોમવારના રોજ મુંબઇ સમાચારમાં પ્રસિદ્ધ રણકાર, જેના લેખક સંજય વિ. શાહ છે. તેઓ આ કટાર કલ્પના જોશીના ઉપનામે લખતા હતા.

સંતોષ એ જિંદગીનો વિસામો છે

ઘાટ વિણ પથ્થર જૂઓ તો પગ તળે અફળાય છે

ટાંકણે ટીચાય તે ઇશ્વર બની પૂજાય છે

વાંસ નક્કર હોય તો તેઓ નથી કંઇ કામના

નિત ચુમાયે હોઠથી પોલાણ જો છેદાય છે

– આતિશ પાલનપુરી

 

બહુ જાણીતી એવી એક વાત અને એનું આ શાયરી રૂપ. નાથીયો જોતજોતામાં નાથાલાલ થઇ ગયો અને હું ઠેરનો ઠેર રહી ગયો, એવી લાગણી કોણ જાણે કેટલા કરોડ હૃદયમાં ઘર કરી ગઇ હશે. નસીબ ઘણી વાર એવા પણ ખેલ ખેલે છે કે ખરેખર પુરુષાર્થ કરનારને યોગ્ય બદલો નથી મળતો. એક રીતે જૂઓ તો જીવનની સફળતાનો માપદંડ પૈસો નથી પણ આજના ભૌતિકતાવાદના સમયમાં આ માપદંડ ખોટા કે અયોગ્ય લાગે છે. તો પછી સાચી વાત કઇ? સત્ય કદાચ એ છે કે સફળતા તો આભાસ છે અને સંતોષ એનું દર્શનીય સ્વરૂપ. વન રૂમ કિચનના ફ્લેટમાં જે સંતોષ પ્રવર્તતો હોય છે એ ઘણીવાર બંગલા કે ડુપ્લેક્સ ફ્લેટમાં ન મળેઃ ટીચાઇ ટીચાઇને એક પથરો પૂજનીય સ્થાન ભોગવે તો જરૂરી નથી કે બીજો પથરો ઘંટીમાં ન વપરાય. ધારો તો જે મળતું હોય કે જે મળી ચૂક્યું હોય એ થોડુંક છતાં અધધધ જ હોય બાકી અધધધ મળ્યા પછી પણ જીવ અતૃપ્ત જ હોય, રઘવાયો જ હોય. મુદ્દાની વાત એ છે કે તમારે તમારા કામને, પુરુષાર્થને વફાદાર રહેવાનું છે. આ વફાદારી ન હોય એટલે સમજી જવું બધું ગયું. અને હા, પથ્થરને ટીચવા શિલ્પી આવશે, તમને ટીચવા, મઠારવા, ઘડવા, ઘસવા તમારે જ મચી પડવાનું છે.

 

15/01/1998, ગુરુવારના રોજ મુંબઇ સમાચારમાં પ્રસિદ્ધ રણકાર, જેના લેખક સંજય વિ. શાહ છે. તેઓ આ કટાર કલ્પના જોશીના ઉપનામે લખતા હતા.

Right Column Widgets

Welcome to the Right Column for the Evening Shade theme. You can put a variety of widgets in this location and to manage where they are published in your site, you can download the Widget logic plugin.