Articles from: August 2015

દુઃખની અવગણના એટલે સુખનો સત્કાર

બોક્સ ખોખું

જિંદગીને સળીઓ

જેટલાં દુ:ખ

 

સત્તર શબ્દોમાં આખા જીવનનો મર્મ કે જીવનનું વરવું સત્ય સમજાવતું આ હાઇકુ વાંચ્યા પછી માત્ર વાહ વાહ બોલવાથી નહીં ચાલે. આ પૃથ્વી પરનો કોઇ જીવ એકાદ વાર દુ:ખી ન થયો હોય એ શક્ય નથી. દુ:ખ એટલે સુખનો અર્થ સમજાવતું તત્વ. માત્ર સુખ અને સુખ જ હોય તો પછી સુખનું મૂલ્ય કોડીનું ન રહે. આપણને જીવન એક જ મળ્યું છે, દુ:ખ બેસુમાર. જીવનને માણવાનો સરળ રસ્તો દુઃખની અવગણના કરવી અને દુઃખમાંથી પણ સુખ શોધી કાઢવું એ છે. થોડાક નફીકરા થઇ જવાનું છે. થોડાક બહાદુર પણ. જિંદગી જો બાક્સ ખોખું હોય અને દુઃખ જો સળીઓ હોય તો આ બહાદુરી, નીડરતા અને નફીકરાપણું એ દારૂપટ્ટી છે જેના પર ઘસાઇને દુઃખ બળી જશે, ખાક થઇ જશે. સંજોગ ઠરાવવાનું કામ તમારા હાથમાં હોત તો તમે દુઃખના બાર વગાડી નાખ્યા હોત પણ થોભો, એ માટે તમે આજે પણ સક્ષમ છો. ભલા તમારી જાતને કેળવવાનું, પંપાળવાનું કે બદલવાનું કામ તમારા પોતાનાથી સારી રીતે કોણ કરી શકે. વેલ, બદલાવવાનો વિચાર છે ખરો તમારો?

10/01/1998, શનિવારના રોજ મુંબઇ સમાચારમાં પ્રસિદ્ધ રણકાર, જેના લેખક સંજય વિ. શાહ છે. તેઓ આ કટાર કલ્પના જોશીના ઉપનામે લખતા હતા.

સ્વ સાથે મુલાકાતો અને ઓળખાણ રાખવી

જે માણસ પોતાની જાતનો અનાદર કરવા લાગ્યો છે,

તેના માટે વિનાશનાં દ્વાર ખૂલી ગયાં છે;

અને પ્રજાને પણ આ વાત લાગુ પડે છે.

પોતાની જાતની અવગણના ન કરવી એ આપણી પહેલી ફરજ છે.

આગળ વધવા માટે પહેલાં તો આપણને આપણામાં શ્રદ્ધા હોવી જોઇએ, અને ત્યાર પછી ઇશ્વરમાં.

– સ્વામી વિવેકાનંદ

 

નવથી પાંચની નોકરી કરવામાં રચ્યાપચ્યા રહેતા માણસથી માંડીને લાખો કરોડો રૂપિયાની સંપત્તિમાં આળોટતા માણસ સુધીના બહુમતી લોકો પોતાના જીવનનું સાચું મૂલ્ય સમજી શકતા નથી. પોતાની જાતનો આદર કરવો એટલે મિથ્યાભિમાનમાં રાચવું એ નહીં પણ પોતાનામાં છૂપાયેલી ખરી શક્તિઓને જાણવી. ભારત અને જાપાન બંને રાષ્ટ્ર લગભગ એક જ સમયગાળામાં આઝાદ થયાં પણ બંનેની આજની પરિસ્થિતિમાં અસામાન્ય એવો તફાવત છે. આપણા દેશમાં હવે કશું જ સુધરી શકે નહીં કે આખો દેશ ખાડે ગયો છે કે આખી ઓફિસ, આખું ઘર ખાડે ગયાં છે એવું બોલનાર વ્યક્તિ એટલો પણ વિચાર નથી કરતો કે એ પોતે પણ એ જ દેશનો, ઓફિસનો કે ઘરનો એક ભાગ છે અને બગડેલી પરિસ્થિતિમાં ઇશ્વરનું શરણું શોધવા મથવા કરતાં આપણે પોતે જ માર્ગ નથી શોધતા.

પોતાની જાતનો આદર કરવો, પોતાના સ્વને પ્રેમ કરવો એ ઉત્કર્ષ તરફ આગળ વધવાની પહેલી શરત છે. હું આ કામ કરી શકીશ કે નહીં એવી અસમંજસ સેવવા કરતાં હું આ કામ કરીને જ જંપીશ તેવી શ્રદ્ધા રાખવાથી અઘરામાં અઘરું કામ પાર પાડી શકાય. અને જે પાછળ ગયું તેનો અફસોસા શાનો ભૂલ્યા ત્યાંથી ફરી ગણવું અને જાગ્યા ત્યાંથી સવાર એટલું સમજવા માંડીએ એટલે પરિસ્થિતિ આપમેળે સકારાત્મક થતી જશે.

08/01/1998, ગુરુવારના રોજ મુંબઇ સમાચારમાં પ્રસિદ્ધ રણકાર, જેના લેખક સંજય વિ. શાહ છે. તેઓ આ કટાર કલ્પના જોશીના ઉપનામે લખતા હતા.

જેટલું કામ થાય તેટલી જ જવાબદારી લેવી

“આપણે અનેક કામ એકીસાથે ઉપાડીએ એનો ચોખ્ખો અર્થ એ થયો કે આપણને એમાંથી એકપણ કાર્ય બરાબર કરવું નથી. એકના બહાનાથી બીજાની જવાબદારીમાંથી છટકવા માગીએ છીએ.”

– ફાધર વૉલેસ (જીવનનું વળતર)

 

સવાર પડી નથી કે મુંબઇગરાએ પાંચ-દસ કરોડ કામના બોજ સાથે ઓફિસ તરફ દોટ મૂકી જ સમજો. ઘરની, ઓફિસની ઢગલાબંધ જવાબદારીમાંથી ઊંચા ન આવતા ઘણા લોકોને બીજી અસંખ્ય પારકી પળોજણ ગળે બાંધવામાં વિચિત્ર સંતોષ મળતો હોય છે. મુંબઇની ફૂટપાથો પર દસ-પંદર રૂપિયામાં એક પુસ્તક મળે છે: ડોન્ટ સે યસ વ્હેન યુ વોન્ટ ટુ સે નો. અર્થાત્ તમારે ના પાડવાની ઇચ્છા હોય ત્યારે ખોટેખોટી હા પાડવી નહીં. એવું નથી કે એક માણસ એક સમયે એક કરતાં વધુ કામ ન કરી શકે. પણ ટાઇમ મેનેજમેન્ટની આવડત આત્મસાત્ કરવાનું ગજું જૂજ લોકો પાસે હોય છે એ સત્ય સ્વીકારવું રહ્યું. એમાં પણ નવથી પાંચની નોકરી અને બે કલાકના ઓવરટાઇમ અને ચાર કલાકના રેલપ્રવાસ અને આઠ કલાકની નીંદર અને પછી બચતા બે કલાકમાં બાવીસસો પારકી પળોજણને ન્યાય આપવો અશક્ય જ છે. એના કરતાં જે કરીએ, જેટલું કરીએ એટલું જ વ્યવસ્થિત કરીએ તો પણ ઘણું. અને તમને જવાબદારીમાંથી છટકવું હતું એટલે છેલ્લી ઘડીએ તમે પાણીમાં બેસી ગયા એવું કોઇના મોઢે શા માટે સાંભળવું? આજે તમારી પાસે એક જણ એની સોસાયટીની પાણીની અનિયમિતતાની સમસ્યા લઇને આવવાનું છે. અરે, તમે ચિંતા ન કરતા, આપણી ઓળખાણ… એવી ડંફાસ તમે મારશો?

05/01/1998, સોમવારના રોજ મુંબઇ સમાચારમાં પ્રસિદ્ધ રણકાર, જેના લેખક સંજય વિ. શાહ છે. તેઓ આ કટાર કલ્પના જોશીના ઉપનામે લખતા હતા.

Page 2 of 2«12

Right Column Widgets

Welcome to the Right Column for the Evening Shade theme. You can put a variety of widgets in this location and to manage where they are published in your site, you can download the Widget logic plugin.