બીબાઢાળ જિંદગીમાં કંઇક નવું કરો

ક્યાંકથી ફંગોળાતા સૂરજ રોજ સવારના પૂર્વ દિશાઓથી દોડતો દોડતો રોજ સાંજે પશ્ચિમમાં આથમી જાય છે. વચ્ચેના કલાકોમાં જીવતો, જાગતો, શ્વસતો, હસતો, રડતો, રમતો, ભમતો માણસ એની છાપેલા કાટલા જેવી જિંદગી જીવી નાખે છે. ખરેખર તો જીવનમાં પ્રસરતી એકવિધતા આપણે પોતે જ કેળવેલી ટેવ હોય છે. મોટા ભાગના માણસોને સવારના પહોરમાં બે કપ છલોછલ ચહા પીધા પહેલાં સવાર જેવું નથી લાગતું. સુસ્ત જીવવું એ આપણી આદત હોય છે. નહીં કે જરૂરિયાત. ધારો તો તમારા જીવનનું કંટાળાપણું તમે દૂર કરી શકો, માત્ર થોડાં હળવાં પરિવર્તનથી. અને આ પરિવર્તનો ક્યાં એ જાણવાની તાલાવેલીનો અંત તમે તમારી દિનચર્યા પર એક નજર નાખીને લાવી શકો. સાંજ ઘરે આવીને ચેનલ સર્ફિંગ કર્યા કરવાની બદલે ક્યારેક પત્ની સાથે બાળકો સાથે કે મિત્રો સાથે મન મુકીને વાતો કરવાનો વિચાર કેવો છે? અને રોજ સવારે ટ્રેનમાં પણ ટીચાવાની બદલે ક્યારેક એકાદું પુસ્તક વાંચવાનો વિચાર કેવો છે? આ અને આવું ઘણું બધું તમારા નિરસ જીવનને ચેતનવંતું કરી શકે તેમ છે. એકસરખું સુખ કે એકસરખી સુરક્ષિતતા ગમે તેટલાં વહાલાં હોય પણ છેવટે એ લીસાપણું અસંતોષ જગાવશે જ. જરાક હિંમત રાખી જીવનમાં કશુંક અસામાન્ય કરી બતાવવાની ઇચ્છા કેળવો, થોડાક બહાદુર બની નાનાંમોટાં પરિવર્તનને, છેવટે પ્રાયોગિક ધોરણે પણ જીવનમાં પ્રવેશવા દો. ત્યાર પછી કદાચ એવું પણ બને કે તમને દરરોજ એવું લાગવા માંડે કે આજના જેવો તો કોઇ દિવસ નહોતો આવ્યો જીવનમાં.

31/01/1998, શનિવારના રોજ મુંબઇ સમાચારમાં પ્રસિદ્ધ રણકાર, જેના લેખક સંજય વિ. શાહ છે. તેઓ આ કટાર કલ્પના જોશીના ઉપનામે લખતા હતા.

લઘુતાગ્રંથિ તમારા વ્યક્તિત્વને રગદોળી દે છે

લઘુતાગ્રંથિથી પીડાવું એટલે જીવનમાં ક્યારેય આગળ નથી આવવું એવો અયોગ્ય નિર્ણય લેવો. લઘુતાગ્રંથિનો ઇલાજ કદાચ આજના યુગમાં શક્ય બન્યો છે પણ માણસ ધારે તો પોતાની લઘુતાગ્રંથિ પોતે જ દૂર કરી શકે છે. માતૃભાષામાં દસમા ધોરણ સુધી ભણ્યા પછી અને પછી ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી ઘણા જણ અંગ્રેજી બોલી લખી વાંચી શકતા નથી. મધ્યમવર્ગના માણસ ઘણીવાર ઘણી જગ્યાએ પામતાં પહોંચતા લોકો સાથે હળીભળી શકતો નથી. આ બાબતો તો ઉદાહરણ માત્ર છે. આવી ઘણી બાબતો વ્યક્તિના મનમાં લઘુતાગ્રંથિનું નિર્માણ કરતી હોય છે. એ જવા દો, રસ્તે ચાલતા કેળાની છાલ પર પગ પડતાં લપસી જઇએ કે પથ્થરનો ઠેબો લાગે ત્યારે શરીરમાંથી જે ઝણઝણાટી પસાર થઇ જાય એ લઘુતાગ્રંથિનું પરિણામ હોય છે. આવું ન ચાલે. સૌથી પહેલા એ જાણી લો કે આ દુનિયામાં તમારાથી બુદ્ધિશાળી અને તમારાથી ઓછી અક્કલવાળા એક, બે નહીં લાખો કરોડો જણ છે. બીજું એ પણ સમજી લો કે તમે ભલે એક આમ આદમી છો પણ તમારો પર્યાય બની શકે એવું કોઇ વ્યક્તિત્વ આ દુનિયામાં જ નથી. આટલું જો ગણે ઊતારી શકો તો લઘુતાગ્રંથિની તમારી સમસ્યા મહદ્અંશે દૂર થઇ ગઇ. બાકીની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે હવે નિર્ભય બનો. તમે જે કંઇ શીખ્યા, બન્યા એ આ પૃથ્વી પર આવ્યા પછી જ ને? યાદ રાખો, કોઇપણ કામ જીવનમાં ક્યારેક તો પહેલીવાર કરવાનું છે. દરેક નવો અનુભવ માણવા ખેલદિલીપૂર્વક એમાં રત થઇ જાઓ. તમારી ખૂબીઓ જાણો અને ખામીઓ સ્વીકારી એ દૂર કરવાને ખૂબ મહેનત કરો. અંગ્રેજી ભાષા દાખલા તરીકે પંદર વર્ષની શૈક્ષણિક કારકિર્દી પછી પણ ન આવડી એ તમારી ખામી છે અને હવે ‘ટ્રાયલ એન્ડ એરર’ની રમત વડે, ભાષાના સતત ઉપયોગ વડે ભાષા સુધારી શકાય એ તમારામાં છૂપાયેલી જન્મજાત શક્તિ, ખૂબી, આવડત છે. લઘુતાગ્રંથિ જો તમારી સમસ્યા હોય તો તમારી ખૂબી એ છે કે તમે આ સમસ્યાની છુટ્ટી કરી શકવા સક્ષમ છો.

28/01/1998 બુધવારના રોજ મુંબઇ સમાચારમાં પ્રસિદ્ધ રણકાર, જેના લેખક સંજય વિ. શાહ છે. તેઓ આ કટાર કલ્પના જોશીના ઉપનામે લખતા હતા.

લીધેલા નિર્ણયને વળગી રહેવું એ જ મક્કમતા

સાહસથી થયેલી હાનિનો બદલો

વાળવાને સાહસ જ કરવું

જોઇએ, પછી આમ કે તેમ.

– નર્મદ

કલમના ખોળે જીવન જીવવાની પ્રતિજ્ઞા લીધા પછી અસહ્ય નાણાભીડનો સામનો કરવા છતાં નર્મદનો નિર્ધાર ડગ્યો નહોતો. ઇ.સ. 1869માં એ જ તબક્કામાં નર્મદે ઉપર નોંધેલું વાક્ય લખ્યું હતું. આપણા જીવનમાં પણ આપણે નાનાં મોટાં સાહસ કરતાં રહીએ છીએ. ક્યારેક જૂની નોકરી પડતી મૂકી સ્વતંત્ર બિઝનેસ ચાલુ કરીએ અને ક્યારેક બોલ બેરિંગના બિઝનેસને સંકેલી શેર સબ-બ્રોકર બની જઇએ. દુનિયામાં જૂજ, સાવ જૂજ લોકો એવા હશે કે જેમણે જે લાઇનથી પોતાની કારકિર્દી આરંભી હોય તેમાં જ છેલ્લે સુધી વ્યસ્ત રહ્યા હોય. જે તે કામધંધા પ્રત્યેનો અસંતોષ કે ઓછી આવકનો સંતાપ કે અણધાર્યા નુકસાનનો ફટકો કે માલિક સાથેનો ઝઘડો કે પછી ગમે તે કારણસર ક્યારેક આપણી કારકિર્દી નવા જ માર્ગે ફંટાઇ જતી હોય છે. સો વ્હોટ? પરિસ્થિતિઓ બદલાઇ જાય ત્યારે આપણી વચનબદ્ધતા થોડી કંઇ ઓછી થાય છે. પરિવર્તનનું પણ લોકલ ટ્રેન જેવું જ છે, જેટલા સમયસર સ્વીકારો એટલા વહેલા આગળ વધો અને એટલે જ એકવાર પાકો નિર્ધાર કરી લઇએ અને આગળ વધીએ તો નિષ્ફળ થવાની શક્યતાઓ ઘટી જાય છે. સાહસવૃત્તિ આપણને સતત નવા અખતરા કરવા પ્રેરે, ખાસ કરીને ફાટફાટ યુવાનીમાં, ત્યારે બુદ્ધિ, જ્ઞાનની સાથે સાથે જુસ્સો હોવો ખૂબ જરૂરી થઇ જાય છે અને એકાદ સાહસમાં નિષ્ફળ ગયા તો, નર્મદની વાત માનીને, એ હાનિનો બદલો વાળવા સાહસ જ કરવું. વાતને સ્પષ્ટ કરવા નર્મદની બે પંક્તિઓ પણ જોઇએઃ ફતેહ કરીને આગળ વધશું અથવા અહીંયા મરશું, પણ લીધેલું તે પાળીશું રે વજ્જરનું કરશું.

26/01/1998, સોમવારના રોજ મુંબઇ સમાચારમાં પ્રસિદ્ધ રણકાર, જેના લેખક સંજય વિ. શાહ છે. તેઓ આ કટાર કલ્પના જોશીના ઉપનામે લખતા હતા.

કંઇક મેળવવા નહીં, કંઇક બનવા માટે દોડો

ચલ હવે ઝિંદાદિલીથી વાત કર, ગોઠવેલું ક્યાં સુધી બોલ્યા કરીશ

– હિતેન આનંદપરા

 

પહેલાંના લોક જરા જુદા હતા. સિદ્ધાંત ખાતર, મહત્ત્વકાંક્ષા ખાતર, જીદ ખાતર અને ઝિંદાદિલી ખાતર અસાધારણ કાર્ય કરવા એ બધા થનગનતા હતા. આજે બધાને સિક્યોરિટી જોઇએ છે. સારા માર્કે પાસ થયા પછી નોકરી પાછળ દોડવાનું. સારી નોકરી એટલે દાળભાતશાક – રોટલીની સિક્યોરિટી. પછી સારા પ્રોવિડન્ટ ફંડની અને પેન્શનની સિક્યોરિટી જોઇએ. ઘણા માણસો સુરક્ષિતતાની આ માયાવી સૃષ્ટિમાં પ્રવેશ્યા પછી પોતાની પ્રતિભાની અવગણના કરતા પણ અચકાતા નથી. જીવનમાં રોટી-કપડાં-મકાનની જ ચિંતા ન હોવી જોઇએ કબૂલ પણ જીવનમાં જીવવા જેવું કંઇક તો હોવું જોઇએ કે નહીં? અને યુવાનોમાં જે કોઇ પ્રયત્નો કરવા હોય, જે કોઇ અખતરા કરવા હોય કરી શકાય, પછી ઢળતી જતી જિંદગી આવી તકો નથી આપતી. થોડા બહાદુર બનો, ઘણા જણ આવું બોલતા હોય છે “લાઇફમાં એકવાર સેટલ થઇ ગયા અટલે પત્યું.’’ અરે મારા સાહેબ, આપણે લાઇફમાં સેટલ ન થવાનું હોય પણ લાઇફ આપણને સેટલ થવી જોઇએ. દુનિયાની અનુકૂળતા મુજબ નહીં તમારી ઇચ્છા મુજબ જીવો. જ્યાં નોકરી કરો ત્યાં સાહેબની આજ્ઞા પાળો એ એકદમ યોગ્ય છે પણ પછી પર્સનલ લાઇફમાં સમાજના કહેવાતા મોભીઓથી દબાઇ જવાની શી જરૂર છે. ઠીલાપોચા થઇને જીવવામાં જે મજા નથી એ ઝિંદાદિલીમાં છે.

24/01/1998 શનિવારના રોજ મુંબઇ સમાચારમાં પ્રસિદ્ધ રણકાર, જેના લેખક સંજય વિ. શાહ છે. તેઓ આ કટાર કલ્પના જોશીના ઉપનામે લખતા હતા.

ડર અને ભય ગયા તો અડીખમ ઊભા રહેશો

રસ્તે ચાલતાં ચાલતાં તમને ઠોકર લાગી. તમારું હૃદય એક ધબકારો ચૂકી ગયું. શા માટે? તમે કહેશો, નાના-મોટા અકસ્માતના ભયથી. ખોટી વાત. તમારા હૃદયના ધબકારાનો તાલ ખરેખર તો એટલા માટે ખોરવાઇ ગયો કે તમારી આજુબાજુ પ્રસરેલી સેંકડો આંખોએ તમને જોયા અને એમાં તમને તમારી હાંસી દેખાઇ. માણસને સૌથી વધુ ચિંતા પોતાની નહીં પણ લોકો શું વિચારશે એની જ હોય છે.  પાંચ-પંદર કે પાંચસો-હજાર જણ વચ્ચેથી પસાર થતાં ઠોકર લાગે કે કેળાની છાલ પરથી પગ લપસી પડે ત્યારે પણ આપણા મનમાં સૌપ્રથમ એક જ વિચાર આવેઃ હાય હાય, આ બધા લોકો મારા પર હસ્યા. યાદ રાખો, બહુ ક્ષુલ્લક જણાતો તમારો આ ભય કે તમારી આ લઘુતાગ્રંથિ ખરેખર તો તમારી નબળાઇનો આયનો છે. ઠોકર કોને નથી લાગતી? લપસતું કોણ નથી? તો પછી ભલા આ ખોટો હાઉ શા માટે? બીજાઓની ચિંતાના ભારને ખંખેરવાની શરૂઆત કરવા એક પ્રયોગ કરવા જેવો છે. હવે પછી જ્યારે પણ ઠોકર લાગે કે લપસી પડાય ત્યારે તમારે પ્રયત્નપૂર્વક તમારી આ નકામી લજ્જાને દબાવી દેવાની, મારી નાખવાની, ધીમે ધીમે તમે આવા થડકારાથી મુક્ત થઇ જશો. પાશેરાની એ પહેલી પૂણી, ત્યાર પછી તમારે નિશ્ચય કરવાનો કે જીવનમાં ગમે તેવી ચડતી પડતી આવે, મારી જાત પરનો, વિશ્વાસ હું નહીં ખોઉં, કમસે કમ દુનિયાની બીકે તો નહીં જ નહીં. જો તમે નિષ્ફળ ગયા તો ગુમાવાનું કશું નથી. પણ જો તમે સફળ થયા તો તમારી અંદર વિશ્વાસનું જે સિંચન થશે એ અકલ્પનીય હશે. પછી કેળાની છાલ કે સીડી કે રસ્તા વચ્ચેનો ખાડો તો ઠીક, જીવનની કોઇપણ સમસ્યા તમને ડગાવી શકશે નહીં, ડરાવી શકશે નહીં.

 

21/01/1998 બુધવારના રોજ મુંબઇ સમાચારમાં પ્રસિદ્ધ રણકાર, જેના લેખક સંજય વિ. શાહ છે. તેઓ આ કટાર કલ્પના જોશીના ઉપનામે લખતા હતા.

દેશની ચિંતા મત કર તું ફ્કત જાગ

વતનની ધૂળને ગૌરવ ધરી માથે ચડાવી દે

પડે જો ખપ, ધરી ગરદન સ્વયમ્ મસ્તક ઝુકાવી દે

તને જો હોય ના મંજૂર વિધિના લેખ તો પ્યારા

સ્વયમ્ પ્રસ્વેદથી ભૂંસી ફરી તાઝા લખાવી દે

– આતિશ પાલનપુરી

 

દેશ વિશે, દેશના રાજકારણ વિશે આપણે સૌ એકબીજા સાથે ચર્ચા કરવામાં ચબરાક થઇ ગયા છીએ. બધા રાજકારણીઓ ચોર છે કે આખો દેશ ખાડે ગયો છે કે ભ્રષ્ટાચારે તો માઝા મુકી છે એવું ન બોલ્યો હોય એવો માણસ મળવો મુશ્કેલ છે. મૂળ વાત, તેમ છતાં, કોઇ ગણકારતું નથી કે દેશની અવદશામાં સૌ કોઇએ યથાશક્તિ ફાળો આપ્યો છે. દેશદાઝ શબ્દ આપણા શબ્દકોશમાંથી અદ્રશ્ય થઇ ગયો છે. દુનિયાના દાદા અમેરિકાને હંફાવતા ટચુકડા જાપાનની પ્રજાએ દેશદાઝ જે રીતે જીવી બતાવી છે એમાંથી આપણે ભારતીયોએ બોધપાઠ લેવા જેવો છે. દુનિયાની સૌથી મહેનતુ પ્રજામાંની એક એટલે જાપાનીઝ પ્રજા. અને આપણે? જવા દો. થોડાક શબ્દોમાં અહીંયાથી કશુંક આ વિશે જાણવા કરતાં ઉચિત છે કે તમે તમારા અંતરાત્માનો ઢંઢોળો દેશની મહાન સંસ્કૃતિ પર કે યુગો જૂના ઇતિહાસ પર પોરસાવાનો સમય પૂરો થઇ ગયો છે. જાગો, આજનું ભારત આપણા સૌની પાસે, એના ગૌરવને બરકરાર રાખવા, ઘણી અપેક્ષાઓ રાખે છે. વિધિના લેખ હશે બાકી આજના જેવો ખરાબ સમય આવે નહીં. અને આજે જે કશું થઇ રહ્યું છે એ કોઇને નથી ગમતું. હવે આ પરિસ્થિતિમાંથી બહાર આવવા બેચાર જણ પાસે અપેક્ષા ન રાખી શકાય. આ વિરાટ કાર્ય માટે તો સો કરોડથી વધુ હૈયાં, બસો કરોડથી વધુ હાથ-પગ-મન-મગજ અને અપાર ઇચ્છા જોઇશે. પરિવર્તનની શરૂઆત અઘરી હોય છે, માત્ર. પછી જ્યારે એ જુવાળ બની જાય છે ત્યારે આખાને આખા વર્તમાનને સમૂળગો ઉખેડીને ઇતિહાસની ફ્રેમમાં ફિટ કરી દે છે. આવનારી પેઢોઓ એ ઇતિહાસ જાણીને કદાચ નવાઇ પામે પણ સાથોસાથ એ પેઢીઓ એમનો વર્તમાન સુધારવા બદલ એના સર્જનહારોની ઋણી પણ રહેશે.

 

20/01/1998, મંગળવારના રોજ મુંબઇ સમાચારમાં પ્રસિદ્ધ રણકાર, જેના લેખક સંજય વિ. શાહ છે. તેઓ આ કટાર કલ્પના જોશીના ઉપનામે લખતા હતા.

આબરૂનો આધાર અને પ્રામાણિકતાના પુરાવા ન માંગો

ઘણા ઉજળા ગણાતા માણસો સૂરજ ડૂબી જતાં

છૂપીને રેશમી ઝૂલ્ફોમાં જઇ પરભારા ઊતરે છે

પરંતુ એમની ટીકા નહીં કરજો કે સદીઓથી

સફેદ આકાશ પરથી રાતનાં અંધારાં ઊતરે છે.

– મરીઝ

 

પોતાને સૌથી પ્રામાણિક, પારદર્શક અને જેવું લાગ્યું તેવું બોલી દેનાર માણસ ગણવાની શેખી સૌ કોઇ કરતા હોય છે. હકીકત, સાવ જૂદી હોય છે. અન્ય માણસો સાથે તો ઠીક પણ પોતાના પરિવારના બેચાર જણ સાથે કે પોતાની પત્ની સાથે (કે પતિ સાથે) પણ નિખાલસ, પેટછૂટી વાતો – કબૂલાત કરનાર જણ મુશ્કેલીથી મળે છે. એક રીતે જૂઓ તો કોઇપણ વ્યક્તિની કોઇ પણ હરકત અક્ષમ્ય હોતી નથી. એક જાણકાર એટલે જ તો કહી ગયા છે, “મૂળભૂત રીતે તો દરેક વ્યક્તિ સારી હોય છે અને સંજોગવશાત એણે કરેલી ભૂલ તો જે તે નબળી ક્ષણની અવળચંડાઇ હોય છે.’’ બીજી રીતે, અથવા ખરી રીતે જૂઓ તો નિખાલસતાનો અભાવ કોઇ પણ સંબંધની ઘોર ખોદે છે. સૂરજ ડૂબી જતાં પારકી રેશમી ઝૂલ્ફોના આશ્રિત થનારનાં હરકત પાપ કહેવાય કે નહીં એની ચર્ચા એક કોરાણે મુકી દઇએ. પોતાના વ્યવસાયમાં, નોકરીમાં, મિત્રોમાં, સમાજમાં કે અન્ય, બધે જ નાનું મોટું પાપ આચરનાર વ્યક્તિની હરકત ઘણી વાર સૂક્ષ્મ હોવા છતાં તેની અસર દૂરગામી હોય છે. માણસના સદનસીબે ચિત્રગુપ્તની ખાતાવહી છેક યમદૂતના દરબારમાં છે. અન્યથા, નાનામોટા દરેક ગુનાની સજા પૃથ્વી માત્ર પર આપવાનું જો ભગવાનને સૂઝે તો સાડાપાંચ અબજની વસતિવાળી આ ધરા પર નિર્દોષ લોક તો આંગળીના વેઢે ગણી શકાય તેટલા માંડ મળે. માણસના બદનસીબે, આવું બધું લખાયેલું વચાતું બહુ હોય છે. પણ જ્યારે તેના આચરણનો સમય આવે ત્યારે ભલભલા લોક પાણીમાં બેસી જતા હોય છે.

17/01/1998, શનિવારના રોજ મુંબઇ સમાચારમાં પ્રસિદ્ધ રણકાર, જેના લેખક સંજય વિ. શાહ છે. તેઓ આ કટાર કલ્પના જોશીના ઉપનામે લખતા હતા.

બાળક ભવિષ્ય નહિ પણ અસ્તિત્વ છે તમારું

છોકરાંમાં માબાપની આકૃતિનો વારસો

જેમ ઊતરે છે તેમ તેમનાં ગુણદોષનો

વારસો પણ ઊતરે જ છે. માબાપ જો

પોતાના સંતાનોને કોઇપણ સાચી

સંપત્તિ સમાન રીતે આપી શકે એમ

હોય તો તે પોતાનું ચારિત્ર્ય અને

કેળવણીની સગવડો છે.

-ગાંધીજી

 

માતા-પિતાથી વધુ વ્હાલી વ્યક્તિ કોઇ હોઇ ન શકે, પણ મુશ્કેલી એ છે કે સંતાન યુવાન થયા પછી ઘણીવાર માબાપને પણ તિરસ્કૃત કરે છે. આવું શા માટે થતું હશે? ‘મારા સ્વપ્નનું ભારત’ નામના એક પુસ્તકમાં ગાંધીજીએ લખેલાં બે વાકયોથી કદાચ દરેક માબાપે સમજવા જેવાં છે. ઘણાં માબાપ જાણ્યે અજાણ્યે પોતાનાં સંતાનોમાંથી કોઇકને માનીતું કોઇકને અણમાનીતું કરી લેવાની ભૂલ કરી બેસે છે. એ જ પ્રમાણે દીકરી કરતાં દીકરાને વધુ ચાહનારાં માબાપની પણ આપણા સમાજમાં ખોટ નથી. અને કોઇ માબાપ કબૂલ કરે કે નહીં પણ મોટા ભાગનાં માબાપ પોતાનો દીકરો કે દીકરી ભવિષ્યમાં પોતાનું ભરણપોષણ કરે એની ગણતરી કરીને જ એનું ઘડતર કરતા હોય છે. આ ખોટું નથી શું? માન્યું, તમારો દીકરો તમારા ભવિષ્યની આશ છે પણ એની ઇચ્છાઓ, એની પસંદગીઓને માન આપી તેનું ઘડતર ન કરી શકાય. શું? જે દિવસે જે માબાપ પોતાનાં સંતાનો પાછળ પોતે કરતા ખર્ચને ભવિષ્યનું રોકાણ ગણી બેસે તે દિવસથી તે માબાપ સંતાનોના ગુનેગાર નથી થઇ જતાં? યાદ રાખજો કે આ પ્રશ્નોનો ઉત્તર તમારી પાસે તમારા અંતરાત્મા સિવાય કોઇ જ માગવાનું નથી અને હા, તમારે શ્રેષ્ઠ માતાપિતા સાબિત થવું હોય તો ગાંધીજીની વાત આત્મસાત કરવા જેવી છે. ખરેખર.

 

 

16/01/1998, શુક્રવારના રોજ મુંબઇ સમાચારમાં પ્રસિદ્ધ રણકાર, જેના લેખક સંજય વિ. શાહ છે. તેઓ આ કટાર કલ્પના જોશીના ઉપનામે લખતા હતા.

ના થઇ નફરત નહિવત પણ પ્રેમ પરિભાષા બદલાઇ ગઇ

ભારોભાર બુદ્ધિ અને અપરંપાર લાગણીઓનો ભંડાર હોવા છતાં આપણે સૌ, આજના માણસો, સમાજને, પૃથ્વીને તારાજી તરફ લઇ જઇ રહ્યા છીએ. એકવીસમી સદીના નવા શબ્દકોશમાં જેને સ્પર્ધાત્મક વાતાવરણ કહેવાયું છે એ બીજું કશું નથી પણ નબળા હરીફીને ટૂંપી નાખવાનું શસ્ત્ર છે. આ સ્પર્ધાત્મક વાતાવરણના પાપે આપણી સ્વાર્થવૃત્તિ અપાર થઇ ગઇ છે. મૂછનો એક વાળ ગીરવે રાખનાર વાણિયો અને વાળ છોડાવી જઇ નાણાં પાછા દઇ જનાર પઠાણ વાર્તોમાં ધરબાઇ ગયા છે. આ પરિસ્થિતિ આપણે સુધારવી જ રહી. દિશાહીન થઇ ગયેલા આજના માણસે બદલાવું જ પડશે. બેચાર ખરાબ લોકો અને અનુભવોથી આખી માનવજાતને માંડી વાળવી એ ક્યાંનો ન્યાય છે? આદમીએ આદમીથી પ્યાર કરરાનો અપરાધ કરવાનું બંધ કર્યું અને સંબંધોની પરિભાષા જ જાણે કે બદલાઇ ગઇ છે. પશ્ચિમી દેશો અવિશ્વાસ, ગળાકાપ અને યંત્રવાદથી જ્યારે દૂર ભાગવા માંડી છે ત્યારે આપણે શા માટે એમની સોડમાં જવું જોઇએ? આપણી તો સંસ્કૃતિ છે હળીમળીને રહેવાની, જીવમાત્રને પ્રેમ કરવાની, અંદર છૂપાયેલા તેજના લિસોટાને લઇને તમે આત્મમંથન કરવા નીકળી પડો. શક્ય છે અંધારામાં ખોવાઇ ગયેલી માણસાઇ તમને પાછી મળી આવે.

 

ટેગઃ બુદ્ધિ, લાગણી, સમાજ, સ્વાર્થવૃત્તિ, પરિસ્થિતિ, મુંબઇ સમાચાર, બોમ્બે સમાચાર, ગુજરાતી ન્યુઝપેપર, રણકાર, સંજય વિ. શાહ, સુવિચાર, ગુજરાતી સુવિચાર.

 

02/02/1998, સોમવારના રોજ મુંબઇ સમાચારમાં પ્રસિદ્ધ રણકાર, જેના લેખક સંજય વિ. શાહ છે. તેઓ આ કટાર કલ્પના જોશીના ઉપનામે લખતા હતા.

Mangrol Multimedia

mangrol logo translation writing

Mnagrol Multimedia

 

 

 

 

It’s great to be an Indian, born in Marathi state Maharashtra, as a Gujarati, learn Hindi in a school as a subject and to graduate learning subejcts (except language, we must confess) taught in English. That’s four languages learnt as you grow to be a pro! English, Hindi, Marathi and off course, Gujarati.
At Mangrol Multimedia, we are proud to belong to Mumbai, India. Our city, state and lifestyle have groomed us as professionals and also as hardworkers, thinkers and achievers.
Most importantly, we are a team of people who respect others.
Our knowledge is our source of work, joy and satisfaction.
We love to write, translate, transcreate to give meaning to every letter.
So is our passion for designing for print and digital media and also for providing web and social media solutions.
We would be glad to make you happy and saisfied with our services:

Original writing | Translation | Trans-creation | Designing: print and digital | Branding | Social media Welcome!

Check Page Rank of your Web site pages instantly:This page rank checking tool is powered by PRChecker.info service

Page 3 of 4«1234»

Right Column Widgets

Welcome to the Right Column for the Evening Shade theme. You can put a variety of widgets in this location and to manage where they are published in your site, you can download the Widget logic plugin.