Blog Archives

શું કરવું શું ના કરવું એ વિમર્શ કરવા કરતા આગળ વધતા રહેવું.

પથરાયો છુ પ્રયત્નના જંગલમાં ડાળડાળ

ને હું જ વિસ્તરુ છું વિકલ્પોના રણ સુધી

– જવાહર બક્ષી

 

‘આગે ખાઇ ઔર પીછે દરિયા’ જેવી અવઢવ આપણા જીવનમાં છાશવારે આવે છે. બેમાંથી એક વિકલ્પ પસંદ કરી અને આવનારી ક્ષણ જીવવાની હોય ત્યારે આપણું મનોમંથન ચરમસીમાએ પહોંચી જાય છે. જિંદગીનાં નાજુક પાસાં જ નહીં પણં ઓફિસે ગૂટલી મારવાથી લઇ બે સારી ફિલ્મમાંથી આજે, અત્યારે કઇ ફિલ્મ જોવી એની દ્વિધા પણ વિચિત્ર હોય છે. જાણકારો કહે છે કે માણસે પોતાની પ્રાયોરિટી પોતે જ નક્કી કરવાની હોય. ‘આમ કરીશ તો તેમ થશે અને તેમ કરીશ તો આમ, બાવો બાર પકડવા જાય ને બગડે બધાં કામ, એવું આપણી સાથે વારંવાર થતું રહે છે. ભૂલ આપણી જ છે. આપણી બેદરકારી અને આપણી નફિકરાઇ આપણને અગત્યના મુદ્દાઓના નિર્ણય એડવાન્સમાં લેતા ટાળે છે. ચશ્માંના બે કાચ પારદર્શક હોવા ખૂબ જરૂરી હોય તો પછી જિંદગીમાં, નિર્ણયોમાં પારદર્શકપણું કેમ નહીં? પ્રયત્નોના, વિકલ્પોના રૂમાલનો સમયસર ઉપયોગ કરી પરિસ્થિતિઓના ચશ્માંળા કાચને પહેલેથી જ ચકચકિત કરી રાખતાં શીખો. આજનો નિર્ણય કાલે બૂમરેગ થઇ આફત નોતરે એવી બીકે કોઇ નિર્ણય લેવાનો જ નહીં એ ન ચાલે. તમારું ભલું કેમાં છે એ તમે જાતે જ નક્કી કરતા શીખો. ઉતાવળિયા નિર્ણય પછી પરિણામ સારું આવે તો એ નસીબ પણ બુદ્ધિપૂર્વક લીઘેલા નિર્ણયનું પરિણામ બૂરું આવે તો પણ તમે ડગી નહીં જશો. વિકલ્પોના રણમાં એકાદી વીરડી હોય જ અને એ વીરડી સુધી પહોંચવા માટે જાતે ઘસાવું પડે.

21/02/1998, શનિવારના રોજ મુંબઇ સમાચારમાં પ્રસિદ્ધ રણકાર, જેના લેખક સંજય વિ. શાહ છે. તેઓ આ કટાર કલ્પના જોશીના ઉપનામે લખતા હતા.

ગળાકાપ હરીફાઇમાં હંમેશા સુસજ્જ રહો.

જીવન કાચ સમું ને આ દુનિયા પથ્થર જેવી

– શર્મિલ

તમારો માહ્યોલો જો કિલર ઇન્સ્ટિક્ટથી ફાટફાટ ન થતો હોય તો ચેતી જજો. ગળાકાપ સ્પર્ધાંના આજના યુગમાં દરેક માણસ હાથમાં હથિયાર લઇને ઊભો છે. એના હરીફને કચડી નાખવા. તમે કેટલા કાબેલ છો એ પછીની વાત છે, પહેલી જરૂરિયાત એ છે કે તમે આખી દુનિયાનો સામનો કરવા માનસિક  ધરાવો છો. સ્પર્ધામાં પાછળ રહી જવું એટલું દુખદાયી નથી જેટલું કે છતી આવડતે પૂરતા પ્રયત્નો ન કરવા. અને હા, તમારી કાબેલિયત તમારે સતત વઘારતા રહેવાની છે. જીવન કાચ હોય તો એ કાચને તમારે સાદા, બ્રેકેબલ કાચમાંથી બુલેટપ્રુફ-અભેદ કાચ બનાવવા માટે જીવ રેડી દેવાનો છે. નિશાન ચૂક માફ જેવી વાત છે આ. હારી જાઓ, ગમ નથી પણ જો તમે જીતવા માટે છેલ્લી પળ સુધી લડાઇ ન કરી એ ન ચાલે. તમારી જીતના શિલ્પી તમે જ થઇ શકો. પરિસ્થિતિ સામે ઘૂંટણિયાં ટેકવી દેનાર વ્યક્તિ માટે દુનિયારૂપી પથ્થર મરણતોલ ફટકો આપનારી થઇ જાય છે. સામે પક્ષે, પરિસ્થિતિથી વિચલિત ન થનાર વ્યક્તિ માટે ઘણીવાર નુકસાન કે પરાજય પણ નફા-વિજયથી વઘુ ફળદાયી બની જાય છે. સિકંદરની સામે તુમુલ યુદ્ધ લડનાર પુરુ રાજા માટે કિસ્મત છેલ્લી ઘડીએ પણ ખદલાઇ ગઇ હતી, યાદ છે ને?

 

14/02/1998, શનિવારના રોજ મુંબઇ સમાચારમાં પ્રસિદ્ધ રણકાર, જેના લેખક સંજય વિ. શાહ છે. તેઓ આ કટાર કલ્પના જોશીના ઉપનામે લખતા હતા.

દ્રઢ મનોબળ સફળતા સુધી લઇ જાય છે.

વમળ ચડે કે ચડે જીવનની ભૂલભૂલૈયા,

કાલે હતા ક્યાં આજ ક્યાં કાલે હશું ક્યાં.

– શર્મિલ

 

એક માણસ. કારકિર્દીની શરૂઆતમાં એણે ગિફ્ટ આઇટમ્સની સેલ્સમેનશિપથી કરી. પછી લોખંડ બજારમાં ક્લેરિકલ કામ કર્યું. પછી વળી બી. કોમ થઇને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાના અભરખા એટલે આર્ટિકલશિપ કરી. આમ એક પછી એક અણધાર્યાં પરિવર્તન આવતાં ગયાં. ચાર્ટર્ડ બનવાનું અધૂરું મૂકી ભાઇ, કોમ્પ્યૂટર ઓપરેટર બન્યા, પછી વળી આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ, પછી શેરબજારમાં નોકરી કરી, પછી શેરની લેવેચનો નાનોમોટો ધંધો કર્યો, પછી ખોટ ગઇ એટલે પછી પાછી શેરબજારમાં નોકરી. આ રીતે આઠનવ વરસની રઝળપાટ પછી આ માણસ હવે એક લાઇનમાં ખરા અર્થમાં ઠરીઠામ થયો. જીવનના શરૂઆતના તબક્કામાં આવેલાં સપનાંઓમાં જે વ્યવસાય નહોતો દેખાયો એવા વ્યવસાયમાં છેવટે એ માણસ સેટલ થયો. આવું ઘણાં જણા સાથે થાય છે. પરિવર્તનની આવી ક્ષણોમાં નાસીપાસ ન થવું એ પહેલી શરત છે સફળતાની. મોટા ભાગોના કિસ્સામાં આવી વ્યક્તિઓને કપરા કાળમાં પરિવારજનોનો પણ સાથ મળતો નથી. જીવન જ્યારે તમારી પાસે અખતરા કરાવે ત્યારે તમારી માનસિક સમતુલા જ તમારી મૂડી બની રહે છે. કોઇ પણ પરિસ્થિતિમાં પોતાની જાત પરનો વિશ્વાસ ગુમાવ્યા વિના આગળ વધો. પ્રથમ દૃષ્ટિએ જે પરિવર્તન મોકાણ જેવું લાગતું હોય એ ઘણીવાર જીવનને સાચી દિશામાં દોરી જતું હોય છે. જામી ગયેલો ધંધો કે સ્થાયી નોકરી ગમે ત્યારે પાણીમાં બેસી જાય તો પણ આપણે પોતે પાણીમાં ન બેસી જવું, કોને ખબર છે કે આવતીકાલ કેવી હશે? બસ, રોજ સવારે ભગવાનનો પાડ માની લેવો કે એણે આપણને વધુ એક રળિયામણો દિવસ આપ્યો છે, જીવ્યે રાખવાનું મોજથી, પરિવર્તનની ચિંતા પડતી મૂકીને. આટલું કરો તો એયને લીલાલ્હેર થઇ જશે રોજ.

10/02/1998, મંગળવારના રોજ મુંબઇ સમાચારમાં પ્રસિદ્ધ રણકાર, જેના લેખક સંજય વિ. શાહ છે. તેઓ આ કટાર કલ્પના જોશીના ઉપનામે લખતા હતા.

ઓછી આવક એ ઉપનામ છે, આપણી ઝાઝી ઇચ્છાઓનું.

ઓછા સાધનો વડે જીવનમાં અપેક્ષિત ખુશીઓ શા માટે ન આવી શકે? આપણી દૃષ્ટિ જ આપણી સૃષ્ટિ સર્જે છે એ તો સૌ કોઇ જાણે છે. તમારો પગાર ટૂંકો છે. તમારા નસીબમાં સાઇડ ઇન્કમ નામનો બારમો ખેલાડી પણ નથી જે મુશ્કેલીઓ ઓછી કરી શકે. વર્ષો જૂની એક વાર્તા માંડીએ. એક ગામના અતિ શ્રીમંત શેઠને ત્રણ દીકરા. વૃદ્ધાવસ્થા જીવનની પરસાળમાં બેઠી છે અને શેઠને જાણે કહી રહી છેઃ તારા દીકરાઓને વેપાર સોંપી નિવૃત્ત થઇ જા. પણ કયા દીકરાના હાથમાં સુકાન સોંપવું? ત્રણેય દીકરાઓને બોલાવીને શેઠે એક એક સોનામહોર આપી અને કહ્યું, “આ સોનામહોરમાંથી તમારે કોઇપણ એક ચીજ ખરીદવાની છે, ઘરનો એક એક ઓરડો આખો ભરાઇ જાય એટલી.” ત્રણેયને એક સપ્તાહનો સમય આપ્યો શેઠે. અઠવાડિયા પછી પ્રથમ દીકરો આવ્યો, “બાપા, મેં આખા ઓરડાને કપાસથી ભરી દીધો છે, બચેલા ત્રણ પૈસા આ રહ્યા.” બીજો દીકરો આવ્યો, “બાપા, આખા ઓરડાને મેં ઘાસથી ભરી દીધો છે, સત્તર પૈસા વધ્યા છે.” ત્રીજો દીકરો બાપાને પોતાના ઓરડામાં લઇ ગયો. ઓરડામાં એક ખૂણે થોડીક અગરબત્તી બળી રહી હતી. “બાપા આખો ઓરડો મેં સુગંધથી ભર્યો છે. ત્રણ પૈસા વપરાયા છે. બાકીની રકમ આ રહી.” શેઠે પોતાના વેપારનું નેતૃત્વ ત્રીજા દીકરાને સોંપ્યું. બુદ્ધિ-ચાતુરીનો આ સમન્વય આપણા જીવનમાં પણ થવો જોઇએ. ઓછપની ચિંતામાં ઓગળી નહીં જવાનું. પણ એથી સર્જાયેલી ખામી-ઉણપને દિલની વિશાળતા અને બુદ્ધિના વ્યાપ વડે નાથવાની હોય.

06/02/1998, શુક્રવારના રોજ મુંબઇ સમાચારમાં પ્રસિદ્ધ રણકાર, જેના લેખક સંજય વિ. શાહ છે. તેઓ આ કટાર કલ્પના જોશીના ઉપનામે લખતા હતા.

સમસ્યાઓનું નિરાકરણ લાવો, ભાગો નહીં.

પ્રયાણ એટલે શું?

ચાલવા માટે પગ હોવા તે.

અંત એટલે શું?

ફરી શરૂ કરવા કંઇ ન હોવું

અને કોઇ ઇચ્છા ન હોવી તે.

– લૉરા રાઇડિગ

 

ઘણીવાર સમસ્યાઓ બટાલિયનમાં આવતી હોય છે. અસ્ખલિત ગતિએ દોડ્યા કરવું એ વસ્તુ તો જીવનની ગાડીના સ્વભાવમાં છે જ નહીં. આખા વર્ષમાં એક વિદ્યાર્થી વધુમાં વધુ ચાર વાર પરીક્ષા આપતો હોય છે. જીવનની શાળામાં આવું શક્ય નથી. અહીંયા તો રોજ પરીક્ષા છે અને રોજ પાંત્રીસ માર્કની મોકાણ છે. સતત આગળ વધવાનું નામ જીવન છે. સાચ્યું કહેજો, તમારી જિંદગીમાં તમને એવું કેટલીવાર લાગ્યું છે કે હવે તો ગયા, આ મુશ્કેલીમાંથી પાર આવવાની કોઇ શક્યતા જ નથી? અને આશ્ચર્ય, દરેક પરિસ્થિતિને કૂદાવતી તમારી જિંદગી દર વખતે આગળ વધતી રહી છે. હવેથી, જીવનની આગામી તકલીફો વખતે, યાદ રાખજો કે જેમ દર વખતે કોઇક અજાણી દિશામાંથી રસ્તો ખુલ્યો છે તેમ આ વખતે પણ રસ્તો નીકળવાનો છે. મગજ પર બરફની પાંચ-દસ લાદી કાયમ માટે મૂકી દો. આનો સીધો લાભ એ થશે કે સમસ્યા વહેલી પોબારા ગણી જશે. ફરી શરૂ કરવા કંઇ ન હોવું એ, કોઇ ઇચ્છા ન હોવી એ સત્ય તો જીવનની સાવ છેલ્લી ક્ષણ માટે સાચવી રાખવાનું હોય છે. લૉરા રાઇડિગની આ કવિતામાં આગળ આવી કઇક પંક્તિ છેઃ અને જનમવું એટલે શું?, જાતશત્રુ પાસેથી અશક્યનો મુકાબલો કરતાં શીખવું તે.

05/02/1998, ગુરુવારના રોજ મુંબઇ સમાચારમાં પ્રસિદ્ધ રણકાર, જેના લેખક સંજય વિ. શાહ છે. તેઓ આ કટાર કલ્પના જોશીના ઉપનામે લખતા હતા.

સ્વાર્થ સંબંધોમાં અડચણ પેદા કરે છે.

બારણાં બંધ હું જ્યારે કરું છું

ચિત્તમાં રહ્યું કોક ત્યાં બોલી ઊઠે છે.

કોણ બહાર રહી ગયું?

– ઉમાશંકર જોશી

 

જોયું, આ જ તો મૂળ સમસ્યા છે. જે ઘડીએ નવા વિચારો, નવા પ્રવાહો, નવા પ્રયોગો, નવા સંબંધો માટે અણગમો જાગે ત્યારે સમજી જાવ કે તમારી ગાડી ખોટે પાટે ચડી ગઇ છે. આજના યુગમાં વિશ્વાસ, લાગણી અને સંબંધનું મૂલ્ય માટીનાં ઢેફાંથી ઓછું છે. સ્વાર્થ વિના, અંગત લાભ વિના કોઇ કોઇનું કામ કરે જ નહીં એવી માન્યતા દરેકના મનમાં ઘર કરી ગઇ છે. કારણ સ્પષ્ટ છેઃ આપણે પોતે કોઇનું કશું જ કામ નિઃસ્વાર્થ ભાવે કરતા નથી. દૃષ્ટિ તેવી સૃષ્ટિ અને આજે બધાની દૃષ્ટિમાં ખોટ છે. બહારના તો ઠીક, પોતના પરિવારના સભ્યો પર પણ વિશ્વાસ નથી રાખતા આપણે. ક્યાંકથી પરિવર્તનનો પવન ફૂંકાય, કાશ. ક્યાંકથી કોઇકના હૃદયમાં રામ વસે, કાશ. પોતપોતાના અંગત જીવનમાં નખશિખ ડૂબી ગયેલા આજના માણસના ચિત્તમાંથી જે દિવસે કોણ બહાર રહી ગયુંનો પ્રશ્ન ફૂટશે એ દિવસથી કદાચ આ દુનિયા જીવવા જેવી થવા માડંશે. બધાએ બારણાં બંધ કરી રાખ્યાં છે. મનનાં બારણાં, મગજનાં બારણાં અને સત્ય કોઇને સમજાયું નથી કે આજના સ્વાર્થી, સ્વકેન્દ્રી, વિશ્વ અને દૃષ્ટિમાન ન થતા સ્વપ્નશીલ, સુંદર વિશ્વ વચ્ચે સ્વાર્થરૂપી અવિશ્વાસરૂપી આ કડી જ નડતર છે.

 

14/01/1998 શુક્રવારના રોજ મુંબઇ સમાચારમાં પ્રસિદ્ધ રણકાર, જેના લેખક સંજય વિ. શાહ છે. તેઓ આ કટાર કલ્પના જોશીના ઉપનામે લખતા હતા.

પ્રેમ અવિરત ધારા છે તેને અનુભવો

પ્રેમનો પાયો વિશ્વાસ છે,

નહીં કે વિશ્વાસનો પાયો પ્રેમ.

ઉગું ઉગું થતો યુવાન કે યુવતી કોલેજમાં જાય અને પછી થોડા જ સમયમાં કોઇકના પ્રેમમાં ઊંધે માથે ન પડે તો જ નવાઇ. દરેક વ્યક્તિના જીવનમાં એકવાર તો પ્રેમમાં આંધળા થવાનો અવસર આવે જ છે. અને પ્લીઝ, મને ક્યારેય પ્રેમ થયો નહીં એવી ડંફાસ મારી તમે શરત મારવાની તો વાત જ રહેવા દો. હા, પ્રેમ કરવો દરેક જણ માટે સ્વાભાવિક છે પણ એ પ્રેમની સફળતા જૂજ લોકોના પ્રારબ્ધમાં હોય છે. વાત ત્યાં અટકતી નથી. સફળ પ્રેમીઓ સારાં પતિ-પત્ની બનીને જીવન જીવી જશે એની કોઇ ખાતરી હોતી નથી. પોતાની પ્રિયતમાના રેશમ રેશમ વાળ પર ફિદા ફિદા થઇ જતો પુરુષ પતિ બને ત્યારે આખે આખી પ્રિયતમાની ઉપેક્ષા કરવા માંડે એવું કરોડો વાર બનતું હશે. એ જ પ્રમાણે પોતાના વ્હાલમની વાક્છટા પર ઓળઘોળ થતી પ્રિયતમા જયારે એ જ પુરુષની પત્ની બને ત્યારે આવી ટકોર કરેઃ કેટલો બડબડ કરે છે આ માણસ, છી. પછી વારતા આગળ વધે અને મનમેળ ન રહે તો ગઇ કાલનો પ્રેમ જોતજોતામાં તિરસ્કાર કે નફરતમાં પણ ફેરવાઇ જાય. બાય ધ વે તમે લવ મેરેજ નહીં પણ એરેન્જડ મેરેજ કર્યા છે તો પણ તમે અન્ય પતિ-પત્નીથી અલગ નથી. બહારથી રાજી, સુખી, સંતોષી યુગલની છાપ ઉપસાવવી આસાન છે. હૃદયના ઊંડાણ સુધી પરમ તૃપ્તિનો અનુભવ કરવો અઘરો છે.

 

13/01/1998, મંગળવારના રોજ મુંબઇ સમાચારમાં પ્રસિદ્ધ રણકાર, જેના લેખક સંજય વિ. શાહ છે. તેઓ આ કટાર કલ્પના જોશીના ઉપનામે લખતા હતા.

અતિ લોભ એ પાપનું મૂળ છે.

માર્ગ મળશે હે હૃદય, તો મૂંઝવણનું શું થશે?

ધાર કે મંઝિલ મળી ગઇ તો ચરણનું શું થશે?

– ગની દહીંવાલા

 

અતૃપ્તિ બીજું નામ છે જીવનનું. ગમે તેટલું પામીએ જીવનમાં, માનસિક રીતે એથી વધુ પામવાને ઝંખવા માંડીએ છીએ અને તે પણ ક્ષણનાય વિલંબ વિના. મહત્ત્વકાંક્ષા કે સપનાંઓ વિનાનું જીવન શક્ય નથી. તમારી ગલીમાં પાનના નાકે તમે ઊભા હોવ અને કોઇ તમારો ભાવ ન પૂછે અને એક ચમત્કાર થાય, તમે ભારતના વડાપ્રધાન બની ગયા. હવે આગળ? તમે ક્યારેય આટલું બધું નહોતું માગ્યું પણ તમને મળી ગયું અને તમારે એથી સંતુષ્ટ થવું જોઇએ બરાબર? પણ નહીં, સર્વોચ્ચ ગાદી પર જેવા તમે પહોંચો એવું તમે વિચારવા માડંશો: અત્યાર સુધીના કોઇ વડાપ્રધાને જેવાં અને જેટલાં કામ કર્યાં નથી એવાં અને એટલા કામ હું કરી બતાવીશ અને ફરી એક વાર તમારી મંઝિલ તમારાથી દૂર થઇ જાય છે. પાછા વાસ્તવિકતાની ધરતી પર આવીએ. ભલે હું કે તમે વડાપ્રધાન બનવાના નથી પણ આપણી કક્ષાએ આપણા જીવનમાં ઘણીવાર અસાધારણ લક્ષ્ય સાધતા હોઇએ છીએ. સફળ થવાથી આપણે પોરસાઇએ પણ છીએ પણ ફરી વાર નવું નિશાન તાકીને સજ્જ થઇએ છીએ. યાદ રાખ કે જે દિવસે નવું કશુંક કરી બતાવવાની કે આગળ વધવાની ઇચ્છાઓનો ભાગાકાર થવા માંડે છે ત્યારે જીવનમાંથી ઉમંગ નામના તત્વની બાદબાકી થવા માંડે છે અને નિષ્ફળતા વળી કંઇ બલાનું નામ છે? અમુકતમુક કાર્ય ખૂબ મથ્યા પછી પણ ન થયું તો શું, એનાથી નિરાશ ન થવાય. રોજ સવારે પૂર્વ દિશાએથી આવતો સૂરજ નવી તકો લઇને પ્રકાશમાન થાય છે. ફરી લડો. ફરી પ્રયત્ન કરો. ફરી આગળ વધો અને હા સતત ચાલવાની આ સફરમાં લાલચનો અતિરેક ન થવો જોઇએ અને મિથ્યાભિમાનનો પણ. આટલું થાય પછી જીવન ખરેખર જીવન જેવું લાગવા માંડશે.

29/01/1998, ગુરુવારના રોજ મુંબઇ સમાચારમાં પ્રસિદ્ધ રણકાર, જેના લેખક સંજય વિ. શાહ છે. તેઓ આ કટાર કલ્પના જોશીના ઉપનામે લખતા હતા.

મંઝિલ માટે મહેનત જ વિકલ્પ છે.

મારે મારી પ્રગતિથી દુનિયાને આંજી નાખવી છે.

– હેનરી થોરો

 

દુનિયાના શ્રેષ્ઠ ચિંતકોમાં જેની ગણના થાય છે તેવા હેનરી થોરોનું આ વાક્ય કોઇને પણ આત્મવિશ્વાસથી છલોછલ ભરી દેવા પૂરતું છે. દુનિયાના તમામ લોકોને બે ભાગમાં વહેંચી શકાય, એક સામાન્ય માણસો, બીજા અસામાન્ય માણસો. અને ખૂબી તો એ છે કે દરેકેદરેક માણસ એમ જ માનતો હોય છે કે હું તો બધાથી જુદો છું. આપણને તો મોઢા પર, જેવું લાગે તેવું, કહી દેવાની આદત છે શું, મને ખોટું બોલનારા લોકોથી સખત નફરત છે શું, હું ખૂબ જ શાંત માણસ છું પણ મારો પિત્તો જાય ત્યારે હું કોઇની સાડાબારી ન રાખું, મારા જેટલો સરળ અને વ્યવહાર ચોખ્ખો માણસ કોઇ ન હોય, આ અને આવું બધુ લગભગ દરેક માણસ બોલતો જ હોય છે. હકીકત એ છે કે પોતાના જીવનમાં આવી ડાહી વાતોનું આચરણ જૂજ લોકો જ કરી શકતા હોય છે. પોતાની પ્રગતિથી દુનિયાને આંજી નાખવાની તમન્ના ભલા કોને નહીં હોય? પણ બધાથી વિશિષ્ટ થવા માટે, પોતાની અલગ ઓળખ બનાવવા માટે ખૂબ પરિશ્રમ વેઠવાનો હોય છે. એકદમ સાદી ભાષામાં કહીએ તો જે વ્યક્તિ પોતાના માટે ‘હું’ ને બદલે વાતવાતમાં ‘આપણે’ એવું સંબોધન કરે તે વ્યક્તિમાં ભારોભાર અહં ભર્યો હોય છે. ખરા અર્થમાં પ્રગતિ કરવા માટે સૌથી પહેલા તો નમ્ર થવું પડે. પછી જે જે બાબતો તમારા વ્યક્તિત્વને વિશિષ્ટ બનાવી શકે તેમાં સંયમ, શિષ્ટ, મળતાવડાપણું, સરળતા વગેરેનો સમાવેશ થાય છે. કરોડો તારા આભમાં હોવા છતાં એક માત્ર સૂરજ શા માટે આકાશને, પૃથ્વીને આંજી નાખે છે? એના વિશિષ્ટ. ચોક્કસ સ્થાનને લીધે. અને કોઇના હૃદયમાં, પોતાના પરિવારમાં કે સમાજમાં કે આખી દુનિયામાં પોતાનું વિશિષ્ટ સ્થાન બનાવવા ફક્ત મોટી મોટી વાતો કર્યાથી નહીં ચાલે. તમારું લક્ષ્ય નક્કી કર્યા પછી એને પામવા માટે તમારે જ કમર કસવાની છે અને હા, અધવચ્ચે હારી જનાર માણસને દુનિયા ભાગ્યે જ બીજી તક આપે છે. તો હવે તમે તમારી પ્રગતિથી દુનિયાને આંજી નાખવા ક્યારથી ગતિમાન થશે?

23/01/1998, શુક્રવારના રોજ મુંબઇ સમાચારમાં પ્રસિદ્ધ રણકાર, જેના લેખક સંજય વિ. શાહ છે. તેઓ આ કટાર કલ્પના જોશીના ઉપનામે લખતા હતા.

શરીફોની વસતિમાં જ ધુતારા વસે છે

દુનિયાની સૌથી કદરૂપી એવી એક સ્ત્રી. રાતના વેશપલટો કરીને નગરચર્ચા કરવા નીકળેલા રાજાની દૃષ્ટિ એ ભિખારણ સ્ત્રી પર પડી અને રાજા ચકિત થઇ ગયો કેમ કે એ સ્ત્રીના ખોળામાં એક બાળક હતું. રાજાને પ્રશ્ન થયો કે આવી સ્ત્રીને બાળક? રાજાએ એના વજીરને આદેશ આપ્યો, “તપાસ કરો કે આ સ્ત્રી પાસે જે બાળક છે એ તેનું પોતાનું છે કે નહીં. અને બાળક એ સ્ત્રીનું જ હોય તો તેનો પિતા કોણ છે.” વજીરે ખૂબ તપાસ કરી. પેલી સ્ત્રીને પહેલા પ્રેમથી પૂછ્યું, પછી ધમકાવી, કશો અર્થ ન સર્યો. ભિખારણ કદરૂપી બાઇ એટલું જ બોલી, “તમારા જેવા કૈંક ઉજળા લોક આવે છે બાપુ અને પાઇપૈસો આપી ચાલ્યા જાય છે. આનો બાપ કોણ એ હું ન જાણું.” રાજાએ આપેલી મહેતલનો આખરી દિવસ અને પછી આખરી રાત આવી ગઇ. વજીરની ઉંઘ હરામ થઇ ગઇ. મધરાત વીતી ગઇ છે. નગરના ચોકમાં પેલી લઘરવઘર બાઇ બેઠી છે અને થોડે દૂર એક બંધ દુકાનને ઓટલે ચિંતાગ્રસ્ત વજીર. એવામાં કશોક સળવળ્યું એ બાજુ વજીરે નજર ફેરવી તો દેખાયું કે નગરના સૌથી મોટા વેપારીનો દીકરો દુકાન વધાવી રહ્યો હતો. દુકાનને તાળું મારી એ શખસ બહાર ઓટલા પર બેઠો. પછી આજુબાજુ નજર ફેરવી એણે રસ્તા પાસેથી જતી ગટરમા હાથ નાખી હથેળીમાં પાણી લીધું. એ પાણી એણે પોતાની ચૂનાની દાબડીમાં નાખ્યું અને પછી તમાકુ કાઢી ચૂના સાથે મસળી મોઢામાં મુકી ઊભો થયો. વજીર આ દૃશ્ય જોઇ પહેલા દંગ રહી ગયો પછી તેના મગજમાં ચમકારો થયો. બીજે દિવસે સવારે રાજા પાસે જઇ તેણે જણાવ્યું કે પેલી ભિખારણ સ્ત્રીના સંતાનનો પિતા બીજો કોઇ નહીં પણ નગર શેઠનો પુત્ર છે. નગરશેઠના પુત્રને દરબારમાં લાવવામાં આવ્યો. થોડીક આનાકાની પછી એણે માન્ય કર્યું કે પેલી ભિખારણના સંતાનનો પિતા એ પોતે જ છે. રાજાએ વજીરને આ વાત કેમ જાણી એવું પૂછ્યું તો વજીર બોલ્યો, “અન્નદાતા, જે માણસ પોતાની તલપ છીપાવવા નાળાનું પાણી લઇ સૂકાઇ ગયેલા ચૂનાને ભીનો કરી તમાકુ ખાય એ માણસ શું ન કરી શકે?”

22/01/1998, ગુરુવારના રોજ મુંબઇ સમાચારમાં પ્રસિદ્ધ રણકાર, જેના લેખક સંજય વિ. શાહ છે. તેઓ આ કટાર કલ્પના જોશીના ઉપનામે લખતા હતા.

Page 1 of 3123»

Right Column Widgets

Welcome to the Right Column for the Evening Shade theme. You can put a variety of widgets in this location and to manage where they are published in your site, you can download the Widget logic plugin.